જમ્મુકાશ્મીરના અનંતનાગ વિસ્તારમાં સીઆરપીએફની પેટ્રોલિંગ ટીમ પર કરવામાં આવેલા ત્રાસવાદી હુમલાના કારણે ફરી એકવાર ચિંતા વધી ગઇ છે. આ હુમલામાં સીઆરપીએફના પાંચ જવાન શહીદ થયા હતા. પુલવામા હુમલા બાદ ચલાવવામાં આવેલા ત્રાસવાદની સામે મોટા ઓપરેશનમાં સેંકડો ત્રાસવાદીઓ માર્યા ગયા છે પરંતુ ત્રાસવાદીઓ હજુ પણ હુમલા કરી રહ્યા છે જે ચિંતા ઉપજાવે છે. ફેબ્રુઆરી બાદ મોટા પાયે ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. જેના કારણે ત્રાસવાદીઓની કમર તોડી દેવામાં આવી હતી. જા કે ત્રાસવાદીઓ હજુ પણ હુમલા કરી રહ્યા છે જે સાબિતી આપે છે કે ત્રાસવાદી માળખુ હજુ અકબંધ છે. સાથે સાથે કટ્ટરપંથીઓ હુમલા કરવા માટે સ્થાનિક યુવાનોની ભરતી કરવામાં સફળ રહ્યા છે.
થોડાક દિવસની શાંતિ બાદ સ્થિતી ફરી એકવાર વણસી રહી છે. કેટલાક હુમલાના કેસમાં ભીડ દ્વારા પથ્થરબાજી પણ કરવામાં આવી રહી છે. થોડાક દિવસ પહેલા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની અવધિ છ મહિના માટે લંબાવી દેવામાં આવી હતી. માનવામાં આવે છે કે રાષ્ટ્રપતિ શાસનમાં સરકારી તંત્ર સામાન્ય સ્થિતીમાં કેટલાક પ્રમાણમાં વધારે મજબુત રહે છે. જા કે હાલના સંકેત કોઇ વાત કરી રહ્યા નથી. સેના અને સુરક્ષા દળોના જારદાર પ્રયાસો છતાં ત્રાસવાદી માળખા અકબંધ રહ્યા છે. સાથે સાથે સરહદ પારથી ત્રાસવાદીઓની ઘુસણખોરી જારી રહી છે. એક ત્રાસવાદી સંગઠનને કમજાર કરવામાં આવે છે તો અન્ય ત્રાસવાદી સંગઠન મજબુત બની જાય છે. અનંતનાગ હુમલાની જવાબદારી ત્રીજા ત્રાસવાદી સંગઠને સ્વીકારી છે. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત અલ ઉમર મુજાહિદ્દીન નામના ત્રાસવાદી સંગઠને સ્વીકારી છે. ખીણના ગ્રામીણ વિસ્તારમાં હજુ પણ ત્રાસવાદીઓ સક્રિય છે .
તેમની દહેશત પણ રહેલી છે. જેના કારણે તેની યોજનામાં ત્રાસવાદીઓ સફળ સાબિત થઇ રહ્યા છે. સ્વાભાવિક છે કે ત્રાસવાદીઓની સામે લડાઇમાં પ્રજાનો સહકાર જ સૌથી મોટા પડકાર તરીકે છે. કાશ્મીરી યુવાનોનો વિશ્વાસ જીતવા માટે સરકાર લાગેલી છે. જા કે કટ્ટરપંથી હજુ પણ સ્થિતી ખરાબ કરવામાં લાગેલા છે. કટ્ટરપંથીઓની ગતિવધી પર બ્રેક મુકવામાં આવી હોવા છતાં સ્થિતી સંપૂર્ણપણે કાબુમાં આવી નથી. તમામ પ્રકારના વિખવાદ છતાં પાકિસ્તાન સાથે વાતચીત પણ જરૂરી છે. આના કારણે ત્રાસવાદી ગતિવિધી પર કાબુ કેટલાક અંશે મુકી શકાય છે. કાશ્મીરમાં સક્રિય ત્રાસવાદીઓ પૈકી તેમના મુખ્ય આકા તો પાકિસ્તાનમાં રહે છે. પાકિસ્તાન દ્વારા કોઇ પગલા લેવામાં આવી રહ્યા નથી જેથી તેમની સામે કાર્યવાહી કરવામાં સફળતા મળી નથી. આકાઓના ઇશારા પર ત્રાસવાદીઓ કાશ્મીરમાં જુદા જુદા હુમલાને અંજામ આપે છે. સુરક્ષા દળોને શંકાસ્પદ લોકોની ગતિવિધી પર નજર રાખીને તકેદારી વદારી દેવાની જરૂરિયાત દેખાઇ રહી છે. હાલમાં જેશે મોહમ્મદ, લશ્કરે તોયબા સહિતના સંગઠનના લોકો રાજ્યમાં સક્રિય થયેલા છે.