બાર્સેલોનાઃ રિલાયન્સ જીયો ઇન્ફોકોમ લિ. દ્વારા મોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં ઓસ્કારની સમકક્ષ ગણાતા પ્રતિષ્ઠિત ગ્લોબલ મોબાઇલ એવોર્ડ મેળવ્યાં છે. મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ ખાતે ગ્લોબલ મોબાઇલ એવોર્ડ્સ ૨૦૧૮માં જીયો એ બેસ્ટ મોબાઇલ ઓપરેટર સર્વિસ ફોર કન્સ્યુમર્સ એવોર્ડ અને જીયો ટીવીએ બેસ્ટ મોબાઇલ વીડિયો કન્ટેંટ એવોર્ડ એમ કુલ બે એવોર્ડ મેળવ્યાં છે.
ગ્લોમો તરીકે ઓળખાતા ગ્લોબલ મોબાઇલ એવોર્ડ ડિવાઇસીસ, ટેકનોલોજીસ, એપ્લિકેશન્સ, હેલ્થ, એજ્યુકેશન સહિતની વિવિધ કેટગરીમાં સંશોધન અને યોગદાન માટે આપવામાં આવે છે.
સમગ્ર દેશમાં નિરંતર ૪જી નેટવર્ક, સસ્તા ડેટા અને ડિજીટલ સેવાઓ પૂરી પાડી ભારતને ડિજીટલી સશક્ત દેશમાં પરિવર્તિત કરવા માટે જીયો મોબાઇલનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે.
આ એવોર્ડ એ દેશ માટે ગર્વની બાબત છે કારણ કે ભારતની નવીન મોબાઇલ સેવાને વૈશ્વિક મંચ પર સૌથી પ્રતિષ્ઠિત સેવા તરીકે સન્માનિત કરવામાં આવી છે. અમે ખૂબ જ ખુશ છીએ કે ભારત વૈશ્વિક ડિજીટલ નેટવર્ક તરફ આગળ વધી રહ્યું છે, તેમ ભારતના સંચાર મંત્રી મનોજ સિંહાએ જણાવ્યું હતું.
જીયો ટીવીને મળેલા એવોર્ડ વિશે જ્યુરીએ જણાવ્યું કે એક દેશ કે જ્યાં અડધાથી પણ ઓછી વસ્તી ટેલિવિઝનનો ઉપયોગ કરે છે, તે દરેક માટે જીયો એકીકૃત અને વ્યક્તિગત અનુભવ સાથે ચેનલોની વિશાળ શ્રેણીને વિતરીત કરી રહી છે.
જીયોના પ્રેસિડેન્ટ જ્યોતિન્દ્ર ઠાકરેએ જણાવ્યું કે અમે પ્રતિષ્ઠિત ગ્લોમો એવોર્ડ મેળવી ખૂબ જ રોમાંચિત છીએ. આ એવોર્ડ જીયો દ્વારા ચલાવાતી અમારી દરેક પહેલને દર્શાવે છે. દરેક ભારતીયને સશ્ક્ત કરવાનો ઉદ્દેશ અમારો માર્ગદર્શક તત્ત્વજ્ઞાન છે.