બિહાર : ખાસ પ્રકારના તાવના કારણે ૩૧ બાળકના મોત થયા

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

પટણા  : બિહારમાં શંકાસ્પદ એક્યુટ ઇન્સેફેલાઇટિસ સિન્ડ્રોમના કારણે હાલત કફોડી બની રહી છે. રાજ્યના મુજફ્ફરપુર જિલ્લામાં આ બિમારીના કારણે મૃત્યુ પામેલા બાળકોની સંખ્યા વધીને ૩૧ ઉપર પહોંચી ગઇ છે. મૃત્યુ પામનાર બાળકોની સંખ્યા સતત વધી રહી છે. મુજફ્ફરપુરના કૃષ્ણા મેડિકલ કોલેજના કેટલાક દર્દીઓ સારવાર હેઠળ છે. તમામની હાલત ગંભીર છે. તમામ દર્દીઓને તબીબોની બાજ નજર હેઠળ રાખવામાં આવ્યા છે. મેડિકલ કોલેજના પ્રભારી સુનિલ શાહીએ કહ્યુ છે કે જાન્યુઆરીથી લઇને બીજી જુન વચ્ચેના ગાળામાં ૧૨ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બીજી જુનથી હજુ સુધી ૮૬ દર્દી હોસ્પિટલમાં  સારવાર હેઠળ ખસેડી દેવામાં આવ્યા છે. જે પૈકી ૩૧ બાળકોના મોત થયા છે. કેટલાક બાળકોને હજુ પણ તેજ તાવની અસર છે. સ્થિતીની ગંભીરતાને ધ્યાનમાં લઇને સાત સભ્યોની કેન્દ્રિય ટીમ મુજફ્ફરપુર ખાતે પહોંચી ચુકી છે. કેન્દ્રિય દળો સ્થાનિક તબીબોની સાથે મળીને જુદા જુદા પાસામાં તપાસ કરવામાં વ્યસ્ત છે. દરમિયાન રાજ્ય સરકારે રાજ્યના ૧૨ જિલ્લામાં ૨૨૨ પ્રાઇમરી હેલ્થ સેન્ટરોને એલર્ટ કરી દીધા છે.

સાથે સાથે અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તેઓ દર્દીઓની સારવાર માટે કોઇ લાપરવાહી ન રાખે. કારણ કે બાળકોની તબિયત ખરાબ થઇ રહી છે. અસરગ્રસ્ત બાળકોના સંબંધમાં માહિતી આપતા કહેવામાં આવ્યુ છે કે પહેલા આ બાળકોને તાવની અસર રહી હતી. ત્યારબાદ બાળકો બેભાન થઇ રહ્યા હતા. તીવ્ર ગરમીના કારણે બાળકોની હાલત ખરાબ થઇ હોવાના હેવાલ મળ્યા છે.

Share This Article