નવી દિલ્હી : શ્રીલંકાના એક દિવસના પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોલંબોમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધન કર્યું હતું. આ ગાળા દરમિયાન મોદીએ દુનિયામાં ભારતની પ્રતિષ્ઠાને ઉંચી સપાટી ઉપર લઇ જવા માટેની ક્રેડિટ દુનિયાના જુદા જુદા વિસ્તારમાં રહેતા ભારતીયોને આપી હતી. મોદીએ કહ્યું હતું કે, હવે ભારતને જાવાનો અંદાજ બદલાઈ ગયો છે. લોકસભાની ચૂંટણીમાં શાનદાર જીતનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે, ભારતમાં લોકશાહી લોકોના સંસ્કારમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે. પ્રવાસી ભારતીયોની પ્રશંસા કરતા તેમણે કહ્યું હતું કે, ભારતીય લોકો તમામ જગ્યાઓએ દેશને ગર્વ અપાવી રહ્યા છે. જુદા જુદા દેશોમાં ભારતીય લોકો ચાવીરુપ ભૂમિકા અદા કરી રહ્યા છે. ભારતના ગૌરવને વધારવા માટે વિશ્વમાં ફેલાયેલા ભારતીય સમુદાયના લોકોની સૌથી મોટી ભૂમિકા છે. દુનિયાના કોઇપણ દેશમાં ભારતીયોના પ્રત્યે કોઇ ફરિયાદ દેખાતી નથી. પાંચ વર્ષના ગાળામાં તેઓ દુનિયાના અનેક દેશોમાં ગયા છે પરંતુ ભારતીયોની ફરિયાદ અંગે કોઇ વાત આવી નથી. દરેક દેશોમાં ભારતીયોના વર્તન અને સંસ્કારને લઇને ગૌરવ સાથે ઉલ્લેખ કરવામાં આવે છે. ગયા મહિનામાં પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણીનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે, જનતાએ ખુબ જ સ્પષ્ટ જનાદેશ આપી દીધો છે જે તેમની પરિપક્વતાને દર્શાવે છે.
તેમણે કહ્યું હતું કે, દેશની જનતાએ એક ખુબ જ ક્લિયરકટ જનમત આપીને ભારતીય જનતા પાર્ટીને તક આપી છે. ભારતના લોકતંત્રમાં સમગ્ર દુનિયા આશ્ચર્ય અનુભવ કરી રહી છે. મોદીએ ઉમેર્યું હતું કે, સ્વતંત્રતા બાદ સૌથી વધારે મતદાન આ ચૂંટણીમાં થયું છે. મે મહિનામાં ૪૦થી ૪૫ ડિગ્રી વચ્ચે તાપમાનમાં આટલું જંગી મતદાન થયું હતું. સ્વતંત્ર ભારત બાદ પ્રથમ વખત મહિલાઓના મતદાનની ટકાવારી ખુબ જ ઉલ્લેખનીય રહી છે. આ વખતની ચૂંટણીમાં સૌતી વધારે મહિલાઓ પણ ચૂંટાઈને આવી છે. લોકશાહી ભારતના સંસ્કારમાં છે. દુનિયામાં લોકશાહી એક વ્યવસ્થા હેઠળ ચાલે છે. મોદીએ માલદિવ બાદ શ્રીલંકા પહોંચીને તમામ સંબંધિતો સાથે વાતચીત કરી હતી. સતત બીજી વખત સત્તામાં આવ્યા બાદ વડાપ્રધાન મોદી પોતાના પ્રથમ વિદેશ પ્રવાસ ઉપર બીજા તબક્કામાં આજે શ્રીલંકા પહોંચ્યા હતા. કોલંબોના ભંડાર નાયકે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શ્રીલંકાના વડાપ્રધાન રાનીલ વિક્રમસિંઘે દ્વારા મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મોદી કોલંબોના સેન્ટ એટર્ની ચર્ચ પહોંચ્યા હતા અને એપ્રિલમાં થયેલા આત્મઘાતી સિરિયલ બ્લાસ્ટમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
ઇસ્ટર બોંબ બ્લાસ્ટ બાદ મોદી સ્રીલંકા પહોંચનાર પ્રથમ વિદેશી નેતા છે. મોદીના આ પ્રવાસથી શ્રીલંકામાં વિદેશી પ્રવાસીઓની અવરજવર ઉપર સકારાત્મક અસર થશે. આનાથી શ્રીલંકન અર્થવ્યવસ્થાને ફાયદો થશે. ઇસ્ટર સિરિયલ બ્લાસ્ટમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. મોતનો આંકડો ૩૨૫ સુધી પહોંચી ગયો હતો. ૨૧મી એપ્રિલના દિવસે ઇસ્લામિક સ્ટેટના ત્રાસવાદીઓ દ્વારા શ્રીલંકાના જુદા જુદા શહેરોમાં આત્મઘાતી સિરિયલ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. શ્રીલંકા પહોંચ્યા બાદ મોદી સૌથી પહેલા કોલંબો Âસ્થત સેન્ટ એટોની ચર્ચ પહોંચ્યા હતા જ્યાં ૨૧મી એપ્રિલના દિવસે ઇસ્ટરના દિવસે બ્લાસ્ટ થયા હતા. અહીં મોદીએ માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. એક દિવસના પ્રવાસના ગાળા દરમિયાન મોદીએ શ્રીલંકાના પ્રમુખ નૈત્રીપાલ સિરિસેના પાસે દ્વિપક્ષીય મંત્રણા યોજી હતી. વિપક્ષના નેતા રાજપક્ષેને પણ મળ્યા હતા. આ ઉપરાંત શ્રીલંકાની મુખ્ય તમિળ પાર્ટી દ તમિળ નેશનલ એલાયન્સના પ્રતિનિધિ મંડળ સાથે પણ મોદીએ વાતચીત કરી હતી.