અમદાવાદ : રાજયના પશુપાલકો માટે ફરી એકવાર સારા સમાચાર અમુલ તરફથી આવ્યા છે. અમુલ દ્વારા પશુપાલકોને ભેટ આપતાં દૂધનાં ખરીદ ભાવમાં નોંધનીય વધારો કરવામાં આવ્યો છે. અમુલે દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે ૧૦ રૂપિયાનો વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, બે માસના ટૂંકા ગાળામાં જ અમુલ દ્વારા ચાર વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે પશુપાલકોમાં ખુશીની લાગણી પ્રસરી ગઇ છે. અમુલ દ્વારા પશુપાલકોને ભેટ આપતાં દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે ૧૦ રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. હાલ પશુપાલકોને પ્રતિ કિલો ફેટે ૬૫૦ રૂપિયા મળે છે.
જે હવે વધીને ૬૬૦ રૂપિયા કરાયો છે. શનિવારથી આ ભાવ વધારો પશુપાલકોને ચૂકવવામાં આવશે. અમુલ દ્વારા લાગુ કરાયેલો આ ભાવ વધારો આવતીકાલથી પશુપાલકોને ચૂકવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અમુલે માત્ર બે મહિનાના ટૂંકા ગાળામાં પ્રતિ કિલો ફેટમાં ચાર વખત ભાવ વધારો કર્યો છે. અગાઉ લોકસભા ચૂંટણી પહેલાં પ્રતિ કિલો ફેટે ૧૦ રૂપિયાનો ભાવ વધારો કર્યો હતો.
જે બાદ તા.૧૧મી મેના રોજ પણ ૧૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ તા.૨૪મી એપ્રિલે પણ ૧૦ પ્રતિ કિલો ફેટે ૧૦ રૂપિયાનો વધારો કર્યો હતો. એટલે કે, ફક્ત બે મહિનામાં જ અમુલે ખરીદ ભાવમાં ૪૦ રૂપિયાનો વધારો કર્યો છે. પશુપાલકોની તકલીફ અને હાલાકી સમજીને અમુલ દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરીને પશુપાલકોને બહુ મોટી રાહત આપી છે. અમુલના આ હકારાત્મક વલણને લઇ રાજયના પશુપાલકોમાં પણ આનંદની લાગણી છવાઇ છે.