અમદાવાદ : કોંગ્રેસના ધારાસભ્યોને તોડી પોતાનું સંખ્યાબળ વધારી ગુજરાતના ધારાસભ્યોની સંખ્યા વધારવાના ભાજપના મનસૂબાને બહુ ઝાઝી સફળતા મળી નથી કારણ કે, દોઢ વર્ષ પહેલા યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ૯૯ બેઠકો સાથે પાતળી બહુમતી મળી હતી. જે બહુમતીમાં વધારો કરવા માટે ભાજપે કોંગ્રેસના ધારાસભ્યો તોડવા માટે રાજકીય ખેલ શરૂ કર્યો હતો. જેમાં છેલ્લા એક વર્ષમાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા ૯૯થી ૧૦૩ સુધી પહોંચી ગઈ હતી. પરંતુ આજે ભાજપના વધુ ત્રણ ધારાસભ્યોના રાજીનામા બાદ ભાજપનું સંખ્યાબળ ફરી ૧૦૦ પર પહોંચ્યું છે. જેથી દોઢ વર્ષમાં ભાજપને કોંગ્રેસના પાંચ ધારાસભ્યો તોડવાના ખેલનો ખાસ કોઈ લાભ થયો નહીં અને ભાજપ હતુ ત્યાંને ત્યાં ૧૦૦ પર આવીને ઉભુ છે. ગુજરાત વિધાનસભાના કુલ સંખ્યાબળ ૧૮૨માંથી ૯૨ ધારાસભ્યો સાથે સરકાર રચવાનો દાવો થઈ શકે છે.
ત્યારે ભાજપ પાસે હાલ સરકાર રચવાના દાવાના સંખ્યાબળ કરતા માત્ર ૮ ધારાસભ્યો વધુ છે. જુલાઈમાં વિધાનસભાનું બજેટ સત્ર મળી રહ્યું છે ત્યારે સત્ર દરમિયાન વિવિધ વિધેયકો અને બજેટ પસાર કરવામાં ભાજપને બહુમતી પુરવાર કરવામાં ભારે કશ્મકશ કરવી પડે તેમ છે. રૂપાણી સરકાર સામે ભાજપમાં કેટલાક ધારાસભ્યો નારાજ હોવાનું પણ જાણવા મળ્યું છે ત્યારે આ બજેટ સત્રમાં રૂપાણી સરકાર કસોટી થશે. ડિસેમ્બર-૨૦૧૭માં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-૯૯, કોંગ્રેસ-૭૭, એનસીપી-૧, બીટીપી-૨ અને અપક્ષને ૩ બેઠકો મળી હતી. ત્યારબાદ જુલાઈ-૨૦૧૮માં કુંવરજી બાવળિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાતા માત્ર એક વર્ષના ગાળામાં જ ડિસેમ્બર-૨૦૧૮માં જસદણ વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ હતી.
જસદણ પેટાચૂંટણીના બે સાંસદ…મહિના બાદ ફેબ્રુઆરીમાં ઉંઝામાંથી આશા પટેલે રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ માર્ચમાં માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા અને જામનગર(ગ્રામ્ય)ના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ રાજીનામાં આપી દેતા માત્ર એક મહિનાના ગાળામાં ચાર વિધાનસભા બેઠકો ખાલી પડી હતી. જેની પેટાચૂંટણીમાં ભાજપનો તમામ ચાર બેઠકો પર વિજય થયો હતો. આજે લોકસભામાં ચૂંટાયેલા ચાર સાંસદોએ ધારાસભ્યપદેથી રાજીનામાં આપ્યા છે. જેમાં પરબત પટેલ(થરાદ), ભરતસિંહ ડાભી(ખેરાલુ), હસમુખ પટેલ(અમરાઈ વાડી) અને રતનસિંહ રાઠોડ(લુણાવાડા)નો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, લુણાવાડા બેઠક પરથી અપક્ષમાંથી ચૂંટાયેલા રતનસિંહ રાઠોડ ત્યાર બાદ ભાજપમાં જોડાયા હતા અને લોકસભાની ચૂંટણી લડીને જીત્યા હતા. હવે સાંસદ બન્યા બાદ ભાજપના ત્રણ ધારાસભ્યો અને એક અપક્ષ મળી કુલ ચાર ધારાસભ્યોએ આજે તેમના રાજીનામા વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને સુપ્રત કરતાં ભાજપનું સંખ્યાબળ ૧૦૦ પર આવીને અટકયું છે.