બ્રિસ્ટોલ : વર્લ્ડ કપમાં ભાગ લઇ રહેલી ટીમો પૈકી વિન્ડીઝની ટીમ આજે પણ ફેવરીટ ન હોવા છતાં કોઇ પણ મોટા ઉલટફેર કરવામાં સંપૂર્ણ સક્ષમ છે. આ ટીમમાં આજે પણ ક્રિસ ગેઇલ જેવો બેટ્સમેન છે. જે એકલા હાથે પોતાની ટીમને કોઇ પણ ટીમની સામે જીત અપાવી શકે છે. આ બાબત તે પ્રથમ મેચમાં પાકિસ્તાનની સામે સાબિત કરી ચુક્યો છે.
પાકિસ્તાનને પ્રથમ મેચમાં જ વિન્ડીઝે કચડી નાંખીને જારદાર શરૂઆત કરી હતી. ૨૩મી ફેબ્રુઆરી ૨૦૧૪ના દિવસે આ તારીખ હતી જે દિવસે વિન્ડીઝે કોઇ છેલ્લી વનડે શ્રેણી જીતી હતી. આ શ્રેણી પછી વેસ્ટ ઇન્ડિઝની ટીમ ૧૯ વનડે શ્રેણી રમી ચુક્યુ છે પરંતુ તેની કોઇ પણ શ્રેણીમાં જીત થઇ નથી. જા કે વિન્ડીઝની ટીમને ક્યારેય ઓછી આંકી શકાય નહી. કારણ કે વિન્ડીઝ પાસે આજે પણ એવા ખેલાડી છે જે પોતાની ટીમને વિજય અપાવી શકે છે. પોલાર્ડ અને બ્રાવો જેવા ખેલાડીઓને રિઝર્વમાં રાખવામાં આવ્યા છે જે સાબિત કરે છે તેની પાસે આજે પણ કુશળ ખેલાડી છે. ક્રિસ ગેઇલ અને રસેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. બોલિંગમાં તેની પાસે હોલ્ડર ઉપરાંત કેમરોન રોચ જેવો ખતરનાક બોલર છે. હોલ્ડરની કેપ્ટનશીપ ટીમમાં નવા પ્રાણ ફુંકે છે.
પાકિસ્તાનની ટીમની જેમ વિન્ડીઝની ટીમ પણ ક્યારે સારી રમત રમે અને ક્યારેય ખરાબ દેખાવ કરે તે અંગે વાત કરવી સરળ નથી. કોઇ સમય ક્રિકેટ વિશ્વમાં વિન્ડીઝનુ એકચક્રિય શાસન હતુ. આ ગાળો મહાન ખેલાડી ક્લાઇવ લોઇડના સમયનો હતો. એ વખતે તો વિન્ડીઝનુ નામ સાંભળતાની સાથે જ ખેલાડીઓ ધ્રુજી જતા હતા. એ ટીમમાં એન્ડી રોબર્ટસ, માલ્કમ માર્શલ, માઇકલ હોલ્ડિંગ, વેસ્ટન ડેવિસ, જેફ ડુજાન, વિવિયન રિચડર્સ, ગોલ્ડન ગ્રીનીઝ, ડેસમન હેઇન્સ , જ્યોલ ગાર્નર અને કોર્ટલી એમ્બ્રોશ જેવા ખેલાડી હતા. ટીમ ધીમે ધીમે ત્યારબાદ નબળી બનતી ગઇ હતી. છેલ્લા બેટ્સમેનોમાં બ્રાયન લારાએ વિશ્વમાં તેની તાકાતનો પરિચય આપ્યો હતો. જો કે વિન્ડીઝમાં અનેક પ્રકારના વિવાદના કારણે વિન્ડીઝની ટીમ તેની તાકાત જાળવી શકી ન હતી. ક્રિકેટ તરફ યુવા લોકોનો ઉત્સાહ ઓછો થયો હતો. એક પછી એક નબળાઇના કારણે આજે વિન્ડીઝની ટીમ સામાન્ય ટીમ તરીકે રહી ગઇ છે.
જો કે તેનો સુવર્ણ ગાળો ક્રિકેટ ચાહકો ક્યારેય ભુલી શકે તેમ નથી. પ્રથમ બે વર્લ્ડ કપમાં વિન્ડીઝે વિજેતા બનવામાં સફળતા મેળવી હતી. સતત ત્રીજા વર્લ્ડ કપમાં પણ ચમત્કારિક રીતે વિન્ડીઝની ટીમ ભારત સામે ફાઇનલમાં હારી ગઇ હતી. ૧૯૭૫માં પ્રથમ વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. અને ૧૯૭૯માં બીજા વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ બંને વર્લ્ડ કપ વિન્ડીઝે જીતી લીધા હતા. વિન્ડીઝની ટીમના ગૌરવને યાદ કરીને ત્યાંના લોકો આજે પણ ગર્વની લાગણી અનુભવ કરે છે. હાલમાં આ ટીમ રેન્કિંગમાં આઠમાં ક્રમાંકે પહોંચી છે. કોઇ સમય તે નંબર વન ટીમ તરીકે હતા.વેસ્ટ ઇન્ડિઝની ટીમ બે વખત વર્લ્ડ કપ જીતી ચુકી છે. લોઇડના નેતૃત્વમાં વિન્ડીઝની ટીમ વિજેતા બની હતી. હવે હોલ્ડર પાસેથી પણ સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. ઇંગ્લેન્ડમાં વર્લ્ડ કપની શરૂઆત થયા બાદ તમામ મહાન ખેલાડી ઇંગ્લેન્ડ પહોંચી ગયા છે. તેમની પાસેથી ઘણી બધી માહિતી મેળવી લેવાનો સમય છે. ખાસ કરીને યુવા ખેલાડી જરૂરી ટિપ્સ મેળવી તેમની કેરિયરને આગળ વધારી શકે છે.