અમદાવાદ : સુરતના ચકચારભર્યા તક્ષશિલા અગ્નિકાંડમાં સુરત ક્રાઇમબ્રાંચે આખરે ધરપકડનો દોર આગળ ધપાવ્યો હતો અને જારદાર સપાટો બોલાવતાં સુરત મહાનગરપાલિકા અને દક્ષિણ ગુજરાત વીજકંપની લિ.(ડીજીવીસીએલ) ઉપર મોટો કોરડો વીંઝયો હતો. સુરત પોલીસે આ કેસમાં સુરત મહાનગરપાલિકાના બે કાર્યપાલક ઇજનેર, ડીજીવીસીએલના ડેપ્યુટી ઇજનેર અને તક્ષશિલા આર્કેડના ભાગીદાર એમ કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. સુરત આગકાંડમાં સૌપ્રથમવાર સરકારી અધિકારીઓની ધરપકડ થતાં સમગ્ર સરકારી તંત્રમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો હતો.
પોલીસે સુરત મહાનગરપાલિકાના બે કાર્યપાલક ઇજનેર પરાગ મુનશી અને જયેશ સોલંકીની ધરપકડ કરી હતી. તો, તેમની સાથે ડી.જી.વી.સી.એલના સરથાણા વર્તુળના નાયબ ઇજનેર દીપક નાયકની પણ ધરપકડ કરી હતી. આ સિવાય છેલ્લા કેટલાય દિવસથી નાસતા ફરતા તક્ષશિલા આર્કેડના ભાગેડૂ બિલ્ડર(ભાગીદાર) રવિન્દ્ર કહારની પણ ધરપકડ કરી લેવાઇ હતી. ઉલ્લેખનીય છે કે, તક્ષશિલા અગ્નિકાંડમાં ક્રાઈમ બ્રાંચની તપાસમાં સોમવારે પાલિકાના વધુ બે કાર્યપાલક ઇજનેર પરાગ મુનશી અને જયેશ સોલંકીને હાજર થવા માટે સમન્સ મોકલાયા હતાં. બંને કાર્યપાલક ઇજનેર હાજર થયાં હતાં અને પોલીસ સમક્ષ પોતાના નિવેદન લખાવ્યા હતાં. ખુદ પોલીસ કમિશનર સતીષ શર્માએ પોતે પણ પૂછપરછ કરી હતી.
છેવટે, તક્ષશિલા આર્કેડની ઇમ્પેક્ટ ફીની ફાઈલમાં સીઓઆર(સર્ટિિફકેટ ઓફ રેગ્યુલરાઈઝેશન) આપવામાં કાર્યપાલક ઇજનેર તરીકે પરાગ મુનશી અને જયેશ સોલંકીની સહી હતી. ઇમ્પેક્ટ ફીની મંજૂર કરાયેલી ફાઈલ અને વાસ્તવિક સ્થિતિ વચ્ચે સુસંગતતા નથી, તેવા આરોપ સાથે બંને કાર્યપાલક ઇજનેરની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ કમિશનરે સ્પષ્ટ કર્યું હતું. પોલીસ કમિશનર સતીષ શર્માએ એ બાબતે પણ ધ્યાન દોર્યું હતું કે, ડીજીવીસીએલના સરથાણા વર્તુળના ડે.ઇજનેર દીપક નાયક, જે મૂળ વલસાડના મરલા ગામના વતની છે અને હાલમાં કાપોદ્રામાં જીઈબી કોલોનીમાં રહે છે.
તેમની પણ ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન એવું ધ્યાનમાં આવ્યું હતું કે, તક્ષશિલા આર્કેડમાં ટ્રાન્સફોર્મર, ફ્યુઝ, ગ્રાહક તરફથી કરવામાં આવેલી વીજવપરાશની માગણી સામે વપરાશની ચકાસણી, ગેરકાયદે વીજ કનેક્શનની ચકાસણીમાં અને આ બનાવમાં આગ લાગ્યા પછી લાંબા સમય સુધી વીજસપ્લાય બંધ થવાની બેદરકારી દાખવવામાં આવી હોય તેવું જણાયું હતું. એટલે, દીપક નાયકની પણ ધરપકડ કરવામાં આવી છે. જયારે આ ચકચારભર્યા આગકાંડમાં ૨૩ બાળકોને ભરખી ગયેલી ગોઝારી ઘટનામાં તક્ષશિલા આર્કેડનું ગેરકાયદે બાંધકામ કરનારા બિલ્ડર્સમાં એક ભાગીદાર તરીકે રવિન્દ્ર ઘનશ્યામ કહાર પણ હતાં. મૂળ કલોલના અને હમણાં સરથાણામાં રહેતા રવિન્દ્ર કહાર ઘટના બન્યા પછી ભૂગર્ભમાં ઉતરી ગયાં હતાં. જા કે, તેમની પણ ભૂમિકા સામે આવતાં પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી.