ગીતાદર્શન
” વ્યામોશ્રેણ ઇવ વાક્યેંન બુધ્ધિમ મોહ્યસિ ઇવ મે II
તત એકમ વદ નિશ્ર્ચિત્ય યેન શ્રે: અહં આપ્નુયામ II ૩/૨ II “
અર્થ –
” દ્વિઅર્થી વાક્યોથી તમે મારી બુધ્ધિને જાણે મોહમાં નાખો છો. માટે કૃપા કરીને મને કલ્યાણકારી હોય તે એક જ કહો.”
અર્જુનજીને ભગવાનની વાતો સાંભળતાં સાંભળતાં કર્મ, મોહ, ત્યાગ, માયા વગેરે ની વિસ્તૃત સમજણ આપવા માટે ભગવાન જૂદા જૂદા શબ્દ પ્રયોગ કરે છે તેને લીધે અર્જુનજીને કદાચ મૂળ વાત સમજવામાં મુશ્કેલી પડે છે ક્યારેક તેમાં મૂઝવણ પણ થતી હોય છે તેથી તે ભગવાનને એક જ શબ્દના બે અર્થ થતા હોય અથવા તો એક કરતાં વધારે અર્થ થતા હોય તેવા શબ્દો ને બદલે સાદી અને સરળ ભાષામાં સમજાઇ જાય તેવી અને જે સૌના માટે કલ્યાણકારી હોય તેવી એક જ વાત કહેવા વિનંતી કરે છે.
આપણા રોજ બરોજના જીવનમાં આપણે કેટલાક એવા મિત્રોને જોઇએ છીએ કે જે પોતાની વાત સ્પષ્ટ રીતે કહેવાને બદલે સામેની વ્યક્તિ ગૂંચવાઇ જાય તે રીતે કહેતા હોય છે. તો વળી કેટલાક લોકો તો એમનાં વાક્યોમાં દ્વિઅર્થી શબ્દોનો ઉપયોગ એટલા મોટા પ્રમાણમા કરે છે કે એમાંથી ક્યારેક કોઇને માટે વાતનું વતેસર પણ થાય છે તો કોઇ અર્થનો અનર્થ કરી બેસે છે, તો વળી કોઇ પોતે પોતાને ગમતો હોય એવો અર્થ કાઢીને મોટી ગરબડ પણ કરે છે. અને એમને જો કોઇ લડવા જાય તો એ એવું કહેતા હોય છે કે ભાઇ તમે કંઇ ચોખ્ખું બોલેલા નહિ એટલે અમને જેમ સમજાણું એમ અમે કર્યુ. દ્વિઅર્થી શબ્દોનો આજના જમાનામાં વલ્ગર પ્રકારના જોક અથવા તો ટૂચકા કહેવામાં પણ ઉપયોગ થાય છે જે ખરેખર તો તેના નિષ્ણાતો કે કલાકારોએ ટાળવું જોઇએ. ભલે કદાચ એમાંથી હાસ્ય કે મોજ મળી શકે પરંતુ એવા સસ્તા હાસ્ય મોજ કે પ્રસિધ્ધિથી દૂર રહેવામાં જ શાણપણ છે. ભગવદ ગીતામાં અર્જુનજીની ભગવાનને વિનંતી તેઓ ભગવાનજીની અઘરી વાણીને નહિ સમજી શકતા હોવાને કારણે છે. કદાચ આવી અઘરી વાણી ભવિષ્યમાં સામાન્ય જનો પણ નહિ સમજી શકે એવું અર્જુનજીને ય લાગ્યું હોય ને તે કારણે પણ તેમણે આવી વિનંતી કરી હોય. આપણે આ વિનંતીને આજના વાતાવરણ સાથે સાંકળીએ તો એમ કહી શકાય કે કોઇ પણ વ્યક્તિએ સમજવામાં તકલીફ પડે તેવી અઘરી કે દ્વિઅર્થી ભાષા વાપરવી જોઇએ નહિ. અસ્તુ.
- અનંત પટેલ