જમ્મૂ : આગામી મહિનાથી જમ્મુ કાશ્મીરમાં શરૂ થતી અમરનાથ યાત્રા પહેલા સુરક્ષા વ્યવસ્થા અભૂતપૂર્વ કરવામાં આવી રહી છે. સુરક્ષા સંસ્થાઓ અને જમ્મુ કાશ્મીર પોલીસે યાત્રાથી પહેલા ૧૦ મોટા આતંકવાદીઓના નામ જાહેર કર્યા છે. આ ૧૦ આતંકવાદીઓ ખીણમાં સક્રિય થયેલા છે. લશ્કરે તોઇબા, જૈશે મોહમ્મદ અને હિઝબુલ જેવા આતંકવાદી સંગઠન સાથે જાડાયેલા આ આતંકવાદીઓ છે જેમના નામ જારી કરવામાં આવી ચુક્યા છે. અમરનાથ યાત્રા પહેલા ભારત પાકિસ્તાન સરહદ ઉપર સુરક્ષા વ્યવસ્થાને પણ મજબૂત કરવાની ખાતરી આપી છે.
સાથે સાથે એમ પણ કહ્યું છે કે, આગામી દિવસોમાં વિશેષ તકેદારી રાખવી પડશે. ગૃહમંત્રી અમિત શાહે હોદ્દો સંભાળતાની સાથે જ જમ્મુ કાશ્મીરમાં સક્રિય થયેલા ૧૦ આતંકવાદીઓની યાદી તૈયાર કરી છે જેમાં હિઝબુલના લીડર રિયાઝ નાયકુ, લશ્કરે તોઇબાના જિલ્લા કમાન્ડર વસીમ અહેમદ અને હિઝબુલના અશરફ મૌલવીનો સમાવેશ થાય છે. આ આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરના જુદા જુદા વિસ્તારમાં હાલમાં હિંસા ફેલાવી રહ્યા છે. અમિત શાહ તરફથી જમ્મુ કાશ્મીર આતંકવાદીઓની જે યાદી તૈયાર કરવામાં આવી છે તેમાં સેફુલ્લામીર નામનો શખ્સ પણ સામેલ છે.
આ આતંકવાદી શ્રીનગરમાં ઝડપતી હિઝબુલના કેડરને વધારવાનું કામ કરી રહ્યો છે. જમ્મુ કાશમીર પોલીસના અધિકારીઓને પણ સક્રિય કરવામાં આવ્યા છે. ડીજીપી દિલબાગસિંહે કહ્યું છે કે, અમરનાથ યાત્રા પહેલા તમામ પ્રકારની સાવચેતી રાખવામાં આવી રહી છે. કોઇપણ પ્રકારના અનિચ્છનીય ઘટનાને રોકવાના પગલા લેવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં ત્રાસવાદીઓ સામે કઠોર કાર્યવાહી કરાશે.