નવીદિલ્હી : મોદી સરકારે બીજી અવધિમાં સત્તા સંભાળી લીધા બાદ હવે પ્રથમ સામાન્ય બજેટને રજૂ કરવા માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે. નાણા મંત્રાલયના અધિકારીઓ અને કર્મચારીઓના બહારના સંપર્ક બંધ કરી દેવામાં આવ્યા છે. એટલે કે તમામ એક ચોક્કસ વિસ્તારમાં રહીને હવે કામ કરશે. બહારની દુનિયા સાથે તેમના કોઇ સંપર્ક રહેશે નહીં. નાણામંત્રાલયમાં ક્વેરંટાઈન પ્રક્રિયા અમલી કરી દેવામાં આવી છે જે હેઠળ બજેટ તૈયાર કરવામાં લાગેલા અધિકારીઓ અને કર્મચારીઓ હવે બહારની દુનિયા સાથે કોઇ સંપર્ક રાખી શકશે નહીં. આ પ્રતિબંધ પાંચમી જુલાઈના દિવસે રજૂ કરવામાં આવનાર બજેટના દિવસ સુધી લાગૂ રહેશે. આ ગાળા દરમિયાન કોઇને પણ નાણામંત્રાલયમાં પ્રવેશ કરવાની મંજુરી આપવામાં આવશે નહીં.
સામાન્ય ચૂંટણીથી પહેલા પહેલી ફેબ્રુઆરીના દિવસે વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં સરકારને એક મર્યાિદત અવધિ માટે ખર્ચની રકમ મંજુર કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. નવી સરકાર સત્તારુઢ થઇ ચુકી છે ત્યારે નવા નાણાંમંત્રી નિર્મલા સીતારામન એવા સમયે પૂર્ણ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે જ્યારે આર્થિક વિકાસ દર વધુ ઘટીને પાંચ વર્ષની નીચી સપાટી ઉપર છે. નાણામંત્રી સીતારામનને પોતાના પ્રથમ બજેટમાં અર્થવ્યવસ્થામાં મંદી, નાણાંકીય ક્ષેત્રના સંકટ જેવા મામલાઓ ઉપર ધ્યાન આપવાની જરૂર રહેશે. રોકડ કટોકટી, રોજગારી ઉભી કરવાની બાબત, ખાનગી મૂડીરોકાણ, નિકાસમાં સુધારા, કૃષિ સંકટના પડકારો, જાહેર મુડી રોકાણ વધારવાના વિકલ્પો ઉપર ધ્યાન આપવું પડશે. હાલમાં જ રચવામાં આવેલી ૧૭મી લોકસભાનું પ્રથમ સત્ર ૧૭મી જૂનથી શરૂ થશે અને ૨૬મી જુલાઈ સુધી ચાલશે. આર્થિક સમીક્ષા ૨૦૧૯-૨૦ ચોથી જુલાઈના દિવસે રજૂ કરાશે. પાંચમીના દિવસે બજેટ રજૂ કરાશે. નિર્મલા સીતારામનની બજેટ ટીમમાં નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર, મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ સામેલ છે. સત્તાવાર અધિકારીઓની ટીમનું નેતૃત્વ નાણાંકીય સચિવ સુભાષચંદ્ર ગર્ગ કરી રહ્યા છે.
આ ટીમમાં ગીરીશચંદ્ર, અજય ભૂષણ, અતુન ચક્રવર્તી અને રાજીવકુમારનો સમાવેશ થાય છે. સમગ્ર બજેટ પ્રક્રિયાને ગુપ્ત રાખવા માટે નોર્થ બ્લોકમાં કઠોર વ્યવસ્થા કરવામાં આવી ચુકી છે. નજર રાખવા માટે ઇલેક્ટ્રોનિક સાધનો ગોઠવી દેવામાં આવ્યા છે. મંત્રાલયમાં મોટાભાગના કોમ્પ્યુટર ઉપર ઇ-મેઇલની વ્યવસ્થા બ્લોક રહેશે. આ અવધિ દરમિયાન મંત્રાલયના પ્રવેશ અથવા બહાર નિકળવાના તમામ રસ્તા પર સુરક્ષા કર્મી તૈનાત રહેશે. આઈબીના લોકો બજેટ બનાવવાની પ્રક્રિયામાં સામેલ અધિકારીઓના રુમમાં જતા લોકો ઉપર નજર રાખશે.