નવીદિલ્હી : ઇન્ડિયન એરફોર્સનું એક વિમાન અરુણાચલ પ્રદેશમાં લાપત્તા થયાના અહેવાલ મળ્યા છે. ઉંડાણ ભર્યાના ટૂંક જ સમયમાં એરબેઝથી તેનો સંપર્ક તુટી ગયો હતો. વિમાને આસામના જારહાટથી અરુણાચલના મેચુકા માટે ઉંડાણ ભરી હતી જેમાં કુલ ૧૩ લોકો સવાર હતા. રક્ષામંત્રી રાજનાથસિંહે આ અંગે વાયુસેનાના વાઈસ ચીફ સાથે વાતચીત કરી સર્ચ ઓપરેશન અંગેની માહિતી મેળવી હતી. મળેલી માહિતી મુજબ એરક્રાફ્ટ એએન-૩૨ લાપત્તા થયું હોવાના અહેવાલ છે. વિમાનમાં આઠ ક્રૂ મેમ્બર અને પાંચ યાત્રી મુસાફરી કરી રહ્યા હતા. એરક્રાફ્ટ એન-૩૨એ જારહાટ એરબેઝથી બપોરે ૧૨.૨૫ વાગે ટેકઓફ કર્યું હતું.
છેલ્લી વખત એરબેઝ સાથે એક વાગે સંપર્ક થયો હતો. વાયુસેનાએ એએન-૩૨ વિમાનની માહિતી મેળવવા માટે તમામ ઉપલબ્ધ સાધનોને કામ પર લગાવી દીધા હતા. એરફોર્સે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. સર્ચ ઓપરેશન માટે સુખોઈ ૩૦ એરક્રાફ્ટ અને સી-૧૩૦ સ્પેશિયલ ઓપરેશન એરક્રાફ્ટને લોંચ કરી દીધા છે. સંરક્ષણમંત્રી રાજનાથસિંહે વાયુસેનાના ઉપપ્રમુખ સાથે વાતચીત કરીને સર્ચ ઓપરેશન અંગે માહિતી મેળવી હતી. તેમણે ટ્વિટ કરીને કેટલાક કલાકોથી લાપત્તા આઈએએફના એએન-૩૨ એરક્રાફ્ટ અંગે એરફોર્સના વાઇસ ચીફ એરમાર્શલ રાકેશ સિંહ ભદોરિયા સાથે વાતચીત કરી હતી.
તેમણે લાપત્તા વિમાનની શોધખોળ માટે ઇન્ડિયન એરફોર્સ તરફથી ઉઠાવવામાં આવેલા પગલાઓ અંગે માહિતી આપી હતી. હું વિમાનમાં મુસાફરી કરી રહેલા તમામ યાત્રીઓ સલામત રહે તે અંગે પ્રાર્થના કરી રહ્યો છું. અત્રે ઉલ્લેખનીય છે કે, જુલાઈ ૨૦૧૬માં ચેન્નાઈથી પોર્ટબ્લેયર જઇ રહેલું એએન-૩૨ એરક્રાફ્ટ દુર્ઘટનાનો શિકાર બન્યું હતું જેમાં ૨૯ યાત્રીઓના મોત થયા હતા.