કાર્ડિફ : વર્લ્ડ કપની મેચમાં દક્ષિણ આફ્રિકાની સામે ૩૦૦થી વધારે રન બનાવ્યા બાદ મેચ જીતી લીધા પછી ફરી એકવાર બાંગ્લાદેશની ટીમ તરફ તમામનુ ધ્યાન ખેંચાયુ છે. ક્રિકેટ ચાહકો અને જાણકાર ક્રિકેટ પંડિતો નક્કરપણે માને છે કે વર્લ્ડ કપમાં તમામ ટીમોને હંફાવવા માટે બાંગ્લાદેશની ટીમ તૈયાર છે. આ ટીમ પાસે કુશળ આક્રમક બેટ્સમેનોની સાથે સાથે જોરદાર ધારદાર બોલરો છે. દક્ષિણ આફ્રિકાની સામે જે રીતે બાંગ્લાદેશના બેટ્સમેનોએ બેટિંગ કરી હતી તેના કારણે અન્ય ટીમો પણ સાવઘાન થઇ ગઇ છે. કારણ કે આફ્રિકા દુનિયામાં સૌથી સારી બોલિંગ લાઇન ધરાવતી ટીમ પૈકી એક ટીમ છે.
તેની સામે બાંગ્લાદેશના ખેલાડીઓએ જે રીતે બેટિંગ કરી તેના કારણે તમામ ચાહકો ભારે પ્રભાવિત થયા હતા. આંકડા પર નજર કરવમાં આવે તો પણ તેના દેખાવને શાનદાર ગણી શકાય છે. વર્ષ ૨૦૧૫માં વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં ભારતની સામે પરાજિત થયા બાદથી બાંગ્લાદેશે ૬૨ મેચો રમી છે જે પૈકી ૩૪ વનડે મેચોમાં તેની જીત થઇ છે. આ વખતે બાંગ્લાદેશ મોટા અપસેટ સર્જવા માટે તૈયાર છે. એક મોટો અપસેટ તો તે પ્રથમ મેચમાં જ સર્જીને તમામને ચોંકાવી ચુક્યુ છે. આફ્રિકા જેવી ટીમને બાંગ્લાદેશે હાર આપી હતી. વર્ષ ૨૦૧૫માં બાંગ્લાદેશે ઇંગ્લેન્ડને હાર આપીને ંમોટો અપસેટ સરજ્યો હતો. આ વખતે આફ્રિકાને તેની પ્રથમ મેચમાં જ હાર આપીને અપસેટ સર્જી દીધો છે. વર્ષ ૨૦૧૧માં બાંગ્લાદેશે વેસ્ટ ઇન્ડિઝને હાર આપીને અપસેટ સર્જયો હતો. આ વખતે પણ તેની શરૂઆત કરી દેવામાં આવી છે. મોર્તુઝા બીજી વખત બાંગ્લાદેશ ટીમનુ નેતૃત્વ વર્લ્ડ કપમાં કરી રહ્યો છે.
તે વર્લ્ડ કપમાં શાનદાર દેખાવ કરીને ક્રિકેટને અલવિદા કરવા માટે ઇચ્છુક છે. તેની ટીમની મુખ્ય તાકાતની વાત કરવામાં આવે તો આ ટીમની તાકાત બેટિંગ પર રહેલી છે. ટીમમાં મહેમુદુલ્લા, સાકિબ અલ હસન, સૌમ્ય સરકાર જેવા ખેલાડી એવા છે જે બેટિંગની સાથે સાથે સારી બોલિંગ પણ કરી શકે છે. તામિમ ઇકબાલરહીમ સહિતના બેટ્સમેનો તમામને પરેશાન કરવાની ક્ષમતા ધરાવે છે. ઇંગ્લિશ સ્થિતીમાં મુસ્તાફિઝુર ઘાતક સાબિત થઇ શકે છે. છેલ્લા કેટલાક સમયથી સતત સારા દેખાવના કારણે રેન્કિંગમાં પણ સુધારો થયો છે. નબળાઇની વાત કરવામાં આવે તો તેની કેટલીક નબળાઇ સ્પષ્ટ પણે નજરે પડે છે. જેમાં ફાસ્ટ બોલિંગને લઇને ડેપ્થ નથી. જેના કારણે સાકિબ પર દબાણ વધારે રહે છે. સાથે સાથે સ્પીનર પર વધારે આધાર રહે છે. દબાણમાં બાંગ્લાદેશની ટીમ હમેંશા કમજાર સાબિત થઇ છે અને કેટલીક સારી જીતેલી મેચો પણ છેલ્લા કલાકોમાં ગુમાવી દીધી છે. ૨૦૧૬માં ટીમ -૨૦ વર્લ્ડ કપ અને વર્ષ ૨૦૧૮માં એશિયા કપમાં દબાણના કારણે તેની હાર થઇ હતી. આ વખતે તેની પાસેથી જોરદાર દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
કારણ કે ટીમમાં તમામ પ્રકારના સારા બોલર અને બેટ્સમેનો છે. ખાસ કરીને બેટ્સમેનોના આધાર પર બાંગ્લાદેશ કેટલાક મોટા અપસેટ સર્જી શકે છે. ટીમના દેખાવને પ્રથમ મેચમાં ચાહકોએ જોઇ લીધા બાદ તેની આગામી મેચો પણ રોમાંચક બની શકે છે. હવે બાંગ્લાદેશ તેની આગામી મેચ ઓવલમાં ન્યુઝીલેન્ડની સામે પાંચમી જુનના દિવસે રમશે. પાંચમી જુનના દિવસે ભારત પણ તેની પ્રથમ મેચ આફ્રિકા સામે રમીને ઝુંબેશની શરૂઆત કરશે.