પટણા : બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે આજે કેબિનેટનું વિસ્તરણ કર્યું હતું. જેડીયુના આઠ નવા ધારાસભ્યોને પ્રધાન બનાવવામાં આવ્યા હતા. કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી સરકારમાં સામેલ થવાનો જનતા દળ યુનાઇટેડના નેતા નીતિશકુમારે નિર્ણય કર્યા બાદ કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. નિતીશકુમારની કેબિનેટમાં હવે ૩૩ પ્રધાનો થઇ ગયા છે. આજે નવા આઠનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નવા સામેલ કરવામાં આવેલા પ્રધાનોમાં અશોક ચૌધરી, શ્યામ રજક, નરેન્દ્ર નારાયણ, સંજય ઝા, રામસેવક સિંહ, લખમેશ્વર રાય, બીમા ભારતીનો સમાવેશ થાય છે. નવા પ્રધાનોમાં એક માત્ર મહિલા બીમા ભારતી તરીકે છે.
બિહારના રાજ્યપાલ લાલજી ટંડને રાજભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં તમામને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. બિહારના કેબિનેટના વિસ્તરણ બાદ અટકળોનો દોર ચાલી રહ્યો છે. નીતિશકુમારે આજે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, એનડીએમાં કોઇપણ પ્રકારની તિરાડ નથી. કેન્દ્રમાં રહેલી સરકાર સાથે કોઇપણ પ્રકારનો વિવાદ નથી. કેન્દ્ર સરકારમાં એક કેબિનેટ મંત્રીની ઓફરને ફગાવી દીધા બાદ નીતિશના કેબિનેટ વિસ્તરણને ઉપયોગી ગણવામાં આવે છે. જેડીયુ અને ભાજપના નેતાઓ એકબીજાની સામે કોઇ આંગણી ઉઠાવી રહ્યા નથી પરંતુ કેન્દ્રમાં જેડીયુની ભાગીદારીથી ઇન્કાર બાદ અટકળોનો દોર જારી છે.
મંત્રીઓના શપથ બાદ જેડીયુના પ્રવક્તા કેસી ત્યાગીએ કહ્યું હતું કે, કેન્દ્રીય કેબિનેટમાં સામેલ નહીં થવાનો પાર્ટીનો છેલ્લો નિર્ણય હતો. ભવિષ્યમાં પણ અમે એનડીએની સરકારમાં સામેલ થઇશું નહીં. કેબિનેટમાં જેડીયુ પોતાની સીટો ખાલી હતી જેથી પાર્ટીના નેતાઓને સામેલ કરવામાં આવ્યા છે. ભાજપ સાથે કોઇપણ પ્રકારનો વિવાદ નથી. બીજી બાજુ ભાજપના નેતા અને નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીએ કહ્યું છે કે, કોઇપણ પ્રકારના મતભેદ નથી. જા કે, જેડીયુ દ્વારા કેન્દ્ર સરકારમાં સામેલ નહીં થવાના નિર્ણય અંગે કોઇ ટિપ્પણી કરી ન હતી. કેન્દ્રીય કેબિનેટના વિસ્તરણને લઇને અગાઉ એવા અહેવાલ આવી રહ્યા હતા કે, જેડીયુ નારાજ છે પરંતુ ટોપના નેતાઓ આને રદિયો આપી રહ્યા છે. એવું જાણવા મળી રહ્યું છે કે, પ્રચંડ બહુમતિ એકલા હાથે મેળવી લીધા બાદ ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રમાં દરેક સાથી પક્ષોને સાંકેતિકરીતે એક એક પ્રધાનપદની ઓફર કરી હતી પરંતુ જેડીયુ દ્વારા આનો ઇન્કાર કરવામાં આવ્યો હતો. શિવસેનામાં પણ આંતરિકરીતે નારાજગી હોવાનું જાણવા મળી રહ્યું છે.