અમદાવાદ : ઉનાના મચ્છુન્દ્રી ડેમ વિસ્તારમાંથી ચાર વર્ષના નર સિંહનો મૃતદેહ મળી આવતાં જશાધાર રેન્જના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. જો કે એ સ્થળે નજીકમાં જ બાબરીયા રેન્જ આવે છે. આથી વનવિભાગ પણ અવઢવમાં મૂકાયું હતું કે, જે સિંહનો મૃતદેહ મળ્યો એ જશાધાર રેન્જનો જ છે કે બાબરીયા રેન્જનો? રેન્જના મુદ્દે સિંહનો મૃતદેહ કલાકો સુધી પડી રહ્યો અને છતાં રેન્જ તો નક્કી ન જ થઇ શકી. ત્રણ કલાક બાદ જશાધાર રેન્જના આરએફઓએ સિંહનો મૃતદેહ સ્વીકારી પીએમ માટે મોકલી આપ્યો હતો. જા કે, જશાધાર અને બાબરીયા રેન્જના અધિકારીઓ વચ્ચેના ગજગ્રાહને લઇ આજે જારદાર ચર્ચા ચાલી હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ગીરગઢડા તાલુકાના કોદીયા નજીક આવેલા મચ્છુન્દ્રી ડેમમાં હાલ પાણીનો જથ્થા નહીંવત પ્રમાણમાં છે. જે પાણી છે એ વન્યપ્રાણીઓને પીવા માટે રાખવામાં આવ્યું છે. ડેમમાંથી માટીનો કાંપ કાઢવાની કામગીરી ચાલુ છે. દરમ્યાન ડેમના પાણીમાં સિંહનો મૃતદેહ તરતો હોવાનું નજરે ચઢ્યું હતું. તાત્કાલીક જશાધાર સ્થિત વન કચેરીને જાણ કરાતાં વનવિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સિંહના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી તેનું નિરીક્ષણ કરાયું હતું.
મૃતક સિંહ આશરે ચાર વર્ષનો હોવાનું આરએફઓ પંડ્યાએ જણાવ્યું હતું. પાણીમાં મોત થતાં તેનું શરીર ફુલી ગયું હતું. આ સિંહનું મોત અંદાજે બે દિવસ પહેલાં થયાનું અને તેના નખ સલામત હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. સિંહના મૃતદેહને પીએમ માટે જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો હતો. ત્યારબાદ સિંહના મોતનું સાચું કારણ બહાર આવશે તેવું મનાઇ રહ્યું છે. જશાધાર રેન્જનાં અધિકારીઓએ સિંહના મૃતદેહનું નિરીક્ષણ કરતાં આવો સિંહ ક્યારેય જશાધાર રેન્જમાં જોવા મળ્યો નથી. આથી આ સિંહ કઇ રેન્જનો ? એ સવાલ તો ઉભો જ હતો. પરંતુ ભારે રકઝક અને ચર્ચા બાદ જશાધાર અને બાબરીયા રેન્જના અધિકારીઓનો ગજગ્રાહ સપાટી પર આવી ગયો હતો. જશાધાર રેન્જના આરએફઓએ સિંહનો મૃતદેહ સ્વીકારી પીએમ માટે મોકલતાં મામલો શાંત પડયો હતો.