નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજી વખત એનડીએની સરકાર સત્તારૂઢ થયા બાદ તમામ પ્રધાનોને ખાતાની ફાળવણી કરી દેવામાં આવી છે. મોદીની નવી રચાયેલી સરકારમાં ૫૧ પ્રધાન કરોડપતિ છે. આમાંથી સૌથી અમીર પ્રધાન તરીકે શિરોમણી અકાળી દળના હરસિમરત કૌર છે. તેમની સંપત્તિ ૨૧૭ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. નેશનલ ઇલેક્શન વોચ એન્ડ એસોસિએશન ફોર ડેમોકેટિક્સ રિફોર્મ દ્વારા આ મુજબની માહિતી આપવામાં આવી છે. હરસિમરત કૌરની સંપત્તિ રેકોર્ડ છે. ત્યારબાદ બીજા સ્થાન પર મહારાષ્ટ્રમાંથી રાજ્યસભા સાંસદ પિયુષ ગોયલની સંપત્તિ ૯૫ કરોડ રૂપિયાની આસપાસની છે. ગુરૂગ્રામથી ચૂંટાયેલા રાવ ઇન્દ્રજીતની સંપત્તિ ૪૨ કરોડ રૂપિયા છે. તેઓ યાદીમાં ત્રીજા સ્થાન પર છે.
ત્યારબાદ ચોથા નંબર પર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને ગાંધીનગરમાંથી સાંસદ અમિત શાહ છે. તેમની સંપત્તિ ૪૦ કરોડ રૂપિયાની આસપાસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યાદીમાં ૪૬માં સ્થાન પર છે. તેમની પાસે બે કરોડ રૂપિયાની સંપત્તિ છે. આશરે દસ પ્રધાનોની પાસે મોદી કરતા ઓછી સંપત્તિ છે. જેમાં બિકાનેરના સાંસદ અર્જુનરામ મેઘવાલ, મધ્યપ્રદેશના મોરનિયાના સાંસદ નરેન્દ્ર સિંહ તોમર સામેલ છે. જેમાં આશરે બે કરોડ રૂપિયાની સંપત્તિ છે. મુજ્જફરનગરના સાંસદ સંજીવ કુમાર પણ એક કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી ચુક્યા છે. મોદી સરકાર કેન્દ્રમાં ફરી સત્તારૂઢ થઇ ચુકી છે.
હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ૩૦૩ સીટો જીતીને ઇતિહાસ સર્જયો હતો. મોદી લહેર વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ સતત બીજી વખત પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં વાપસી કરી છે. મોદી મેજિક વચ્ચે વર્ષ ૨૦૧૪ કરતા પણ ભારતીય જનતા પાર્ટીએ આ વખતે વધારે શાનદાર જીત મેળવી છે. કોંગ્રેસ પાર્ટીનો સંપૂર્ણ સફાયો થયો છે. કારણ કે વર્ષ ૨૦૧૪માં કોંગ્રેસ પાર્ટીને ૪૪ સીટ મળી હતી. જ્યારે આ વખતે કોંગ્રેસ પાર્ટીને તેના કરતા કોઇ વધારે સીટો મળી શકી નથી. રાજસ્થાનના બાડમેરના સાંસદ કૈલાશ ચૌધરીની સંપત્તિ ૨૪ લાખ રૂપિયા નોંધાઇ છે. આવી જ રીતે ઓરિસ્સાના બાલાસોરમાંથી સાંસદ પ્રતાપ ચન્દ્ર સારંગી ૧૩ લાખ રૂપિયાની સંપત્તિ ધરાવે છે. કેરળના સાંસદ મુરલીધરણની સંપત્તિ ૨૭ લાખ રૂપિયા છે.
જે પ્રધાનો કરોડપતિ નથી તેમાં બંગાળના રાયગંજના સાંસદ દેબાશ્રી ચૌધરી ૬૧ લાખની સંપત્તિ ધરાવે છે. આસામના સાંસદ રામેશ્વર તેલીની સંપત્તિ ૪૩ લાખ રૂપિયા છે. અરૂણાચલ પશ્ચિમમાંથી સાંસદ કિરણ રિજ્જુની સંપત્તિ એક કરોડ રૂપિયા છે. ફતેહપુરથી સાંસદ સાધ્વી નિરંજન જ્યોતિની સંપત્તિ એક કરોડની આસપાસ છે. મોદી કેબિનટમાં કરોડપત્તિની સંખ્યાને લઇને ચર્ચા વચ્ચે નવા આંકડા જારી કરવામા આવ્યા છે.