નવી દિલ્હી : સમગ્ર દેશમાં ભીષણ ગરમી પડી રહી છે. જેના કારણે જનજીવન પર ખોરવાઈ ગયું છે. આગામી દિવસોમાં ગરમીથી રાહત મળવાની શક્યતા દેખાઈ રહી નથી. ગરમીનો પ્રકોપ હાલમાં જારી રહી શકે છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે યલો એલર્ટની જાહેરાત કરી છે. હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ, પૂર્વીય ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. દક્ષિણ અને પશ્વિમ રાજ્યો તેલંગાણા, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પણ ગરમીના કારણે લોકો બેહાલ થયેલા છે. ભીષણ ગરમીના કારણે તેલંગાણામાં ૧૭ લોકોના મોત થઈ ચુક્યાછે. દિલ્હીમાં છેલ્લા આઠ વર્ષની સૌથી વધુ ગરમી નોંધાઈ છે.
પાલમ વિસ્તારમાં પારો ૪૬થી ઉપર પહોચી ગયો છે. પાલમમાં મે ૨૦૧૩માં પારો ૪૭.૨ સુધી પહોંચી ગયો હતો. આગામી ૪૮ કલાકમાં પારો ૪૫ થી ૪૬ સુધી રહી શકે છે. લુ અને ગરમીનો પ્રકોપ વધી શકે છે. જેથી બપોરના ગાળામાં લોકોને બહાર નહી નીકળવાની સલાહ આપવામાં આવી છે. રાજસ્થાનમાં ભીષણ ગરમીના કારણે લોકોની હાલત કફોડી બની ગઈ છે. ચુરુમાં મહત્તમ તાપમાન ૪૭.૩ ડિગ્રી સુધી પહોંચી ગયોછે. ઉત્તર પ્રદેશમાં પણ આસમાનથી આગ વરસી રહી છે.
હમીરપુરમાં પારો ૪૮ સુધી પહોંચી ગયો છે જ્યારે મથુરામાં ૪૯ સુધી પહોંચી ગયો છે. પ્રયાગરાજમાં ૨૫ વર્ષનો ગરમીનો રેકોર્ડ તુટી ગયો છે. અહી પારો ૪૮.૬ સુધી પહોંચ્યો છે. ઉત્તર ભારતમાં રાજસ્થાન અને સિંધના રણ વિસ્તારમાંથી ઉઠી રહેલી ગરમ હવાઓના કારણે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. સામાન્ય રીતે દર વર્ષે આવી ગરમી અનુભવાય છે. ૨૦૨૦ સુધી ગરમીનો ગાળો વધી શકે છે. એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, ૨૦૨૦ સુધી ગરમીનું પ્રમાણ વધી શકે છે.