નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનોને ખાતાઓની ફાળવણી કરી હતી. મોદી સહિત ૫૮ પ્રધાનોએ ગઈકાલે શપથ લીધા હતા. મોદીએ ધારણા પ્રમાણે જ અમિત શાહને મોટી જવાબદારી સોંપી હતી. અમિત શાહને દેશના નવા ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે રાજનાથ સિંહને દેશના નવા સંરક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા છે. મોદીએ તમામ પ્રધાનોને આજે ખાતાઓની ફાળવણી કરી હતી. ખાતાઓની ફાળવણી કરવામાં આવે તે પહેલા ભારી ઉત્સુક્તા રહી હતી. પાર્ટીના દિગ્ગજ ચહેરા રહેલા અમિત શાહે લોકસભાની ચૂંટણીમાં પાર્ટીને જીત અપાવવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી. મોદીના સૌથી વિશ્વાસપાત્ર અને ગુજરાતના
તેમના મુખ્યમંત્રી તરીકેના ગાળા દરમિયાન ગૃહમંત્રાલયની જવાબદારી સંભાળી ચુકેલા અમિત શાહને હવે દેશના પણ ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે.
બીજી બાજુ મોદી સરકાર-૧માં ગૃહમંત્રી રહી ચુકેલા રાજનાથ સિંહને સંરક્ષણમંત્રી તરીકેની નવી જવાબદારી સોંપવામાં આવી છે. નીતિન ગડકરીને પહેલાની જેમ જ માર્ગ પરિવહનની જવાબદારી સોંપવામાં આવી છે. અરૂણ જેટલી સરકારમાં આરોગ્યના કારણોસર સામેલ થયા નથી. જેથી તેમની જગ્યાએ અગાઉની સરકારમાં સંરક્ષણમંત્રી રહેલા નિર્મલા સીતારામને નાણાંમત્રાલયની સોંપવામાં આવી છે. મોદીએ ફરી એકવાર તમામને ચોંકાવી દઈને સીતારામનને ખુબ મોટી જવાબદારી સોંપી છે. બીજી બાજુ પૂર્વ વિદેશ સચિવ જયશંકરને વિદેશ મંત્રી બનાવીને પણ ચોંકાવી દેવામાં આવ્યા છે. અમેરિકા, ચીન અને રશિયા જેવા ત્રણ મહત્વપૂર્ણ દેશોમાં કામ કરી ચુકેલા જયશંકર ખુબ મોટો અનુભવ ધરાવે છે. તેમના શપથની સાથે જ એમ માનવામાં આવી રહ્યું હતું કે, તેમને વિદેશ મંત્રાલય આપવામાં આવી શકે છે. મોદી સરકાર-૧માં વિદેશ મંત્રી રહી ચુકેલા સુષમા સ્વરાજે આ વખતે ચૂંટણી લડી ન હતી. આરોગ્યના કારણસર સુષમા સ્વરાજે કેબિનેટમાં સામેલ થવાનો પહેલાથી જ ઈન્કાર કર્યો હતો.
આવી સ્થિતિમાં જયશંકરને વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા બાદ આ ઘટનાક્રમને પણ ઉપયોગી ગણવામાં આવે છે. એનડીએના સાથી પક્ષોને પણ કેટલાક ખાતા આપવામાં આવ્યા છે. એલજેપીના પ્રમુખ રામવિલાસ પાસવાને આ વખતે પણ ગ્રાહક બાબતોના મંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે આરપીઆઈના રામદાસ આઠવાલેને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. અર્જુન મુંડા જે દલિત ચહેરા તરીકે છે. તેમને અનુસુચિત જાતિ અને જનજાતિ કલ્યાણના મંત્રી બનાવવામાં આવ્યા છે. શિવસેનાના ક્વોટામાંથી અરવિંદ સાવંતને ભારે ઉદ્યોગ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. મોદી સરકારે પોતાની જવાબદારી સંભાળી બાદ હવે કેબિનેટ બેઠક પણ યોજનાર છે.
આ વખતે પણ ધારણા પ્રમાણે જ હર્ષવર્ધનને આરોગ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. રવિશંકર પ્રસાદ ધારણા પ્રમાણે જ કાયદા પ્રધાન તરીકે અંકબધ રહ્યા છે. ગઈકાલે તમામ પ્રધાનોએ હોદ્દા અને ગુપ્તતા શપથ લીધા હતા. આ વખતે સુરેશ પ્રભુ મંત્રી બનાવવામાં આવ્યા હતા. પિયુષ ગોયલે રેલ્વે અને વાણિજ્ય મંત્રી તરીકેનો હવાદો સંભાળી દીધો છે. પિયુષ ગોયલની સાથે સાથે મુખ્તાર અબ્બાસ નકવીએ લઘુમતી બાબતોના મંત્રાલયની જવાબદારી સંભાળી દીધી હતી. હાલમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં મોદી સુનામી વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ જારદાર સપાટો બોલાવ્યો હતો અને ૩૦૩ સીટ જીતી લીધી હતી. જ્યારે એનડીએને ૩૫૩ સીટો મળી છે. કોંગ્રેસ પાર્ટીને ૫૨ સીટો મળી શકી છે.