લંડન : ફરાર હિરાકારોબારી નિરવ મોદીની જેલમાંથી છુટવાના પ્રયાસો ઉપર ફરી એકવાર પાણી ફરી વળ્યું છે. બ્રિટનની કોર્ટે ફરાર હિરા કોરાબારી નિરવ મોદીના રિમાન્ડ ૨૭મી જૂન સુધી વધારી દીધી છે. ભારત સરકારને પ્રશ્ન કર્યો છે કે, પ્રત્યાર્પણ કરવામાં આવ્યા બાદ તેને કઈ જેલમાં રાખવામાં આવશે. આનો મતલબ એ થયો કે નિરવ મોદીને ટૂંક સમયમાં જ ભારત લાવવામાં આવી શકે છે. નિરવ મોદી ૧૩૦૦૦ કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક ફ્રોડ અને મની લોન્ડરિંગ કેસમાં પોતાને ભારતના પ્રત્યાર્પણથી બચાવવાના પ્રયાસમાં લાગેલા છે પરંતુ નિરવ મોદીને આજે મોટો ફટકો પડ્યો હતો. ૪૮ વર્ષિય હિરાકારોબારી હાલમાં સાઉથવેસ્ટ લંડનના વાંડર્સવર્થ જેલમાં છે. નિરવ મોદીના જામીન ઉપર છુટી જવાના ત્રીજા પ્રયાસ ઉપર પણ આજે પાણી ફરી વળ્યું હતું. નિરવ મોદીની જામીન ઉપર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. લંડનની વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં આ મહિનામાં સુનાવણી દરમિયાન ચીફ મેજિસ્ટ્રેટ આર્બથનોટ દ્વારા નિરવ મોદીની જામીન અરજીને ફગાવી દીધી હતી.
ભારતના આ ફરાર કારોબારીને આજે ગુરુવારના દિવસે જજ અર્બથનોટની સામે રજૂ કરવામાં આવ્યા હતા. જજે ત્યારબાદ નિરવ મોદીની કસ્ટડી ૨૭મી જૂન સુધી વધારી દેવાનો આદેશ કર્યો હતો. જજે ભારત સરકાર પાસેથી ૧૪ દિવસની અંદર એ જેલ અંગેની પણ માહિતી માંગી છે જે જેલમાં નિરવ મોદીને રાખવામાં આવશે. મોદીને સ્કોટલેન્ડ યાર્ડના ઓફિસરો દ્વારા પ્રત્યાર્પણ વોરંટ પર સેન્ટ્રલ લંડનની એક મેટ્રો બેંક નજીકથી ૧૯મી માર્ચના દિવસે પકડી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદથી નિરવ મોદી સામે ઉંડી તપાસ ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ નિરવ મોદી મેટ્રો બેંકમાં પોતાના નવા બેંક ખાતા ખોલવવાના પ્રયાસમાં હતો ત્યારે તેને પકડી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદથી નિરવ મોદી જેલમાં છે. વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં સુનાવણી દરમિયાન એવી દલીલ આપવામાં આવી હતી કે, નિરવ મોદી પીએનબીને ચુનો લગાવવા માટે જારી કરવામાં આવેલા બનાવટી લેટર્સ ઓફ અન્ડરસેન્ટેન્ડિંગનો મુખ્ય લાભાર્થી હતો. નિરવ મોદી ફોરઝરી મારફતે એકત્રિત કરવામાં આવેલા લોન્ડરિંગના અપરાધમાં આરોપી છે. ડિસેમ્બર ૨૦૧૮માં ભારતના અન્ય એક ફરાર અપરાધી વિજય માલ્યાને ભારત પ્રત્યાર્પણનો આદેશ કરવામાં આવ્યો હતો. બ્રિટનમાં મની લોન્ડરિંગ મામલામાં ઉંડી તપાસ ચાલી રહી છે. ભારત સરકારને ૧૪ દિવસની અંદર જવાબ આપવા માટે આદેશ કરવામાં આવ્યા બાદ એવી ચર્ચા છે કે, આગામી દિવસોમાં નિરવ મોદીને ભારત લાવવામાં આવી શકે છે.
નિરવ મોદીએ જામીન મેળવવા માટે બનતા તમામ પ્રયાસો કર્યા છે પરંતુ જામીન મેળવી શક્યા નથી. બ્રિટનની કોર્ટે નિરવ મોદીને ૨૭મી જૂન સુધી રિમાન્ડ પર લેવાનો આદેશ કરી દીધો છે ત્યારે જામીન મેળવી લેવાના તમામ પ્રયાસો ઉપર પાણી ફરી વળ્યું છે. આગામી દિવસો નિરવ મોદી માટે વધારે મુશ્કેલરુપ બની શકે છે. જાણકાર લોકોનું એમ પણ કહેવું છે કે, નિરવ મોદી સામે કઠોર કાર્યવાહી કરવામાં આવી શકે છે. નિરવ મોદીની સાથે તેમના સંબંધી મેહુલ ચોક્સી સામે પણ તપાસ ચાલી રહી છે પરંતુ હજુ સુધી તેમને લઇને વધુ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
સીબીઆઈ, ઇડી અને ઇન્કમટેક્સ દ્વારા નિરવ મોદી અને મેહુલ ચોક્સી સામે તપાસ ચાલી રહી છે. તેમની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી ચુકી છે. જો કે, બંનેએ ભારત પરત ફરવાની ઇચ્છા દર્શાવી નથી. આવી સ્થિતિમાં બંનેને કાયદાકીયરીતે ભારત લાવવામાં આવી શકે છે. હવે બ્રિટનની કોર્ટે પણ નિરવ મોદીને મોટો ફટકો આપી દીધો છે. નિરવ મોદી સૌથી પહેલા ૨૭મી જૂન સુધી રિમાન્ડ પર રહેશે. પંજાબ નેશનલ બેંક સાથે છેતરપિંડી અને મની લોન્ડરિંગ કેસમાં તેની સામે તપાસ ચાલી રહી છે.