નવી દિલ્હી : દેશના અડધાથી વધુ રાજ્યો હાલમાં ભીષણ ગરમીના સકંજામાં આવી ગયા છે. આ તમામ રાજ્યો ગરમી અને લુના સંકજામાં આવી જતા લોકો ભારે પરેશાન દેખાઇ રહ્યા છે. કાળઝાળ ગરમીથી લોકોને કોઇ રાહત મળે તેવી શક્યતા નહીંવત છે. ભીષણ ગરમીના કારણે લોકો હેરાન પરેશાન થયેલા છે. જનજીવન પર માઠી અસર થઇ છે. ચોથી જુન સુધી ભીષણ ગરમીથી લોકોને રાહત મળવાની શક્યતા નહીંવત છે. વિદર્ભના ચન્દ્રપુર ખાતે પારો ૪૮ ડિગ્રી સુધી પહોંચી ગયો છે.
ભારતમાં આ વર્ષે આ સૌથી ઉંચુ તાપમાન નોંધાયુ છે. દેશના અડધાથી વધુ રાજ્યો માટે હિટવેવને લઇને ચેતવણી જારી કરવામાં આવી છે. આવનાર દિવસોમાં વિદર્ભ,પશ્ચિમી રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ગરમ હવા અને લુના કારણે લોકોની હાલત કફોડી બની ગઇ છે. ૩૬ પૈકી ૧૬ હવામાન વિભાગ દ્વારા હિટવેવને લઇને ચેતવણી જારી કરવામાં આવી છે. હાલમાં તીવ્ર ગરમીથી લોકોને રાહત મળનાર નથી. સમગ્ર ઉત્તર ભારતમાં તાપમાનમાં ઘટાડો થવાના કોઇ સંકેત હાલમાં દેખાઇ રહ્યા નથી.
બાંદા ખાતે પારો ૪૭.૨ ડિગ્રી સુધી પહોંચી ગયો છે. હવામાન વિભાગના લોકોનુ કહેવુ છે કે સરેરાશ કરતા વધારે તાપમાન રહેવા માટે એક કારણ અલ નીનો છે. ગરમીનુ પ્રમાણ વધારે હોવા માટે અન્ય કેટલાક કારણો પણ જવાબદાર દેખાઇ રહ્યા છે. ગરમીથી બચવા માટેના તમામ પ્રયાસો લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા ગરમીથી બચવા કેટલીક સલાહ પણ આપી છે.