” જ્યાયસી ચેતકર્મણ: તે મતા બુધ્ધિ: જનારદન:II
તત કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસિ કેશવ II ૩/૧ II “
અર્થ –
” હે જનાર્દન, કર્મ કરતાં બુધ્ધિ તમે શ્રેષ્ઠ માનેલી છે, તો કેશવ યુધ્ધ્દરૂપી ઘોર કર્મમાં મને કેમ જોડો છો ?? ”
અર્જુનજીને ભગવાનનો બોધ સાંભળતાં એવું લાગ્યું કે જો કર્મ કરતાં બુધ્ધિ જ ઉત્તમ હોય તો પછી ભગવાન તેમને યુધ્ધમાં જોડીને કર્મને શું કામ પ્રાધાન્ય આપે છે, તેથી આ સંશય તેમણે ભગવાન સમક્ષ પ્રશ્નરૂપે મૂક્યો છે. બુધ્ધિ શ્રેષ્ઠ છે અને અર્જુનજીને તેમની બુધ્ધિ યુધ્ધમાં જોડાવાની ના પાડે છે, બુધ્ધિ તેમને શીખવે છે કે યુધ્ધમાં તેમણે જેની સાથે લડવાનું છે તે બધા તો તેમની સાથે કોઇને કોઇ રીતે જોડાયેલા છે તો તેમની સાથે યુધ્ધ કરીને તેમને મારવાથી તો મોટુ પાપ થવાની શક્યતા છે તે છતાં ભગવાન તેમને ઘોર પાપ તરફ દોરી જનારા કર્મમાં શું કામ જોડવા ઇચ્છતા હશે ?? અહીં બુધ્ધિ વિશે ચર્ચા કરીએ તો દરેક વ્ય્કતિમાં બુધ્ધિ વધતા ઓછા પ્રમાણમાં હોય જ છે. અને આ બુધ્ધિ તે વ્યક્તિને દરેક વખતે નિર્ણયો કે કર્મ કરતી વખતે જરૂરી હોય તેવું માર્ગ દર્શન કરતી જ હોય છે. બુધ્ધિ વગરના મનુષ્યની કોઇ કિંમત હોતી નથી . દરેક કર્મ તેનું ફળ અચૂક આપવાનું હોય છે આ વાત બુધ્ધિ સારી રીતે જાણે છે એટલે જ્યારે પણ કશું કાર્ય કરવાનું આવે ત્યારે બુધ્ધિ તેમાં તેના સંભવિત પરિણામને ધ્યાને લઇને સવાલ ઉભા કરે છે, તદાનુંસાર અહીંયાં અર્જુનની બુધ્ધિએ એવો પ્રશ્ન કર્યો કે જો બુધ્ધિ ઉત્તમ છે તો તેને અનુંસરવાને બદલે તે ના પાડતી હોવા છતાં ઘોર પાપ થાય એવા કર્મમાં શા માટે જોડાવું જોઇએ ?? આગળના બધા શ્ર્લોકોમાં ભગવાન શ્રી અર્જુનજીના મનનું સમાધાન કેવી રીતે કરે છે તે આપણે ક્રમશ: જોતા જવાનું છે.
અસ્તુ.
- અનંત પટેલ