લંડન : વર્લ્ડ કપ ૨૦૧૯ની આવતીકાલથી શરૂઆત થઇ રહી છે. વર્લ્ડકપ ક્રિકેટની ૧૯૭૫માં શરૂઆત થયા બાદ શરૂઆતના બે વર્લ્ડકપ વેસ્ટઇન્ડિઝે જીતી લીધા હતા. ત્યારબાદ ૧૯૮૩માં ભારતે વર્લ્ડકપ જીતી લેવામાં સફળતા મેળવી હતી. વર્લ્ડકપમાં પહેલા પ્લેયર ઓફ દ સિરીઝનો એવોર્ડ કોઇ ખેલાડીને અપાતો ન હતો પરંતુ ૧૯૯૨માં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં જ્યારે વર્લ્ડકપનું આયોજન કરવામાં આવ્યું ત્યારથી પ્લેયર ઓફ દ સિરીઝ જાહેર કરવાની પ્રથા શરૂ થઇ હતી. ૧૯૯૨માં પ્રથમવાર ન્યુઝીલેન્ડના માર્ટિન ક્રોવને પ્લેયર ઓફ દ સિરીઝ જાહેર કરાયો હતો.
ત્યારબાદ છેલ્લા વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્કે પણ મેન ઓફ સિરિઝ બનવામાં સફળતા મેળવી હતી. સચિન તેંડુલકર પણ એક વખત પ્લેયર ઓફ દ સિરીઝ જાહેર થઇ ચુક્યો છે. રસપ્રદ બાબત એ છે કે, કેટલાક કિસ્સામાં પ્લેયર ઓફ દ સિરીઝ જાહેર થનાર ખેલાડીઓ વર્લ્ડકપમાં પોતાની ટીમને જીત અપાવવામાં ચાવીરુપ ભૂમિકા ભજવી હતી જેમાં યુવરાજનો સમાવેશ થાય છે. યુવરાજે ૨૦૧૧માં ૩૬૨ રનની સાથે સાથે ૧૫ વિકેટ પણ ઝડપી હતી. આવી જ રીતે ૧૯૯૬માં સનથ જયસૂર્યાએ ૨૨૧ રનની સાથે સાથે સાત વિકેટ પણ ઝડપી હતી. જુદા જુદા વર્લ્ડકપમાં પ્લેયર ઓફ દ સિરીઝ જાહેર થયેલા ખેલાડીઓની યાદી નીચે મુજબ છે.
વર્ષ | પ્લેયર ઓફ દ સિરીઝ | પ્રદર્શન |
૧૯૯૨ | માર્ટિન ક્રોવ (ન્યુઝીલેન્ડ) | ૪૫૬ રન |
૧૯૯૬ | સતન જયસૂર્યા (શ્રીલંકા) | ૨૨૧ રન અને સાત વિકેટ |
૧૯૯૯ | લાન્સ ક્લૂઝનર (દક્ષિણ આફ્રિકા) | ૨૮૧ રન અને ૧૭ વિકેટ |
૨૦૦૩ | સચિન તેંડુલકર (ભારત) | ૬૭૩ રન અને બે વિકેટ |
૨૦૦૭ | ગ્લેન મેકગ્રાથ (ઓસ્ટ્રેલિયા) | ૨૬ વિકેટ |
૨૦૧૧ | યુવરાજસિંહ (ભારત) | ૩૬૨ રન અને ૧૫ વિકેટ |
૨૦૧૫ | મિેશેલ સ્ટાર્ક (ઓસ્ટ્રેલિયા) | કુલ ૨૨ વિકેટ ઝડપી હતી |