નવી દિલ્હી : શારદા ચિટ ફંડ કૌભાંડના મામલામાં પશ્ચિમ બંગાળના આઈપીએસ અધિકારી રાજીવકુમારની ધરપકડ ઉપર લાગૂ કરવામાં આવેલા સ્ટેને સુપ્રીમ કોર્ટે આખરે ઉઠાવી લીધો છે. આજે આ મામલામાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, સીબીઆઈ હવે પોતાનું કામ કરી શકે છે. અલબત્ત સુપ્રીમ કોર્ટના આ નિર્ણય તરત લાગૂ કરવામાં આવશે નહીં. આ ગાળા દરમિયાન રાજીવકુમાર પોતાની તરફથી કાયદાકીયરીતે પગલા ઉઠાવવા માટે સ્વતંત્ર છે. સાત દિવસ બાદ આ નિર્ણયને અમલી કરવામાં આવશે. હજુ સુધી પૂર્વ પોલીસ કમિશનર રાજીવકુમારની ધરપકડ કરવામાં આવી નથી.
સાત દિવસ સુધી તેમની ધરપકડ થઇ શકશે નહીં. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને સુપ્રીમ કોર્ટના નિર્ણયથી મોટો ફટકો પડી ગયો છે. કારણ કે, આ સમગ્ર મામલામાં મમતા બેનર્જી કેન્દ્રના કાર્યકર તરીકે ગણાવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં સાફ શબ્દોમાં કહ્યું છે કે, આ સાત દિવસના ગાળામાં કુમાર ઇચ્છે તો પોતાની જામીન માટેની અરજી કોર્ટમા દાખલ કરી શકે છે. જા તેમને આગોતરા જામીન નહીં મળે તો તપાસ ટીમ તેમની ધરપકડ કરી શકે છે. કોલકાતાના પૂર્વ કમિશનર રાજીવકુમાર ઉપર કરોડો રૂપિયાના શારદા ચિટ ફંડના પુરાવાને નષ્ટ કરવાનો આક્ષેપ છે. સીબીઆઈનો આક્ષેપ છે કે, શક્તિશાળી નેતાઓને બચાવવા માટે રાજીવ કુમારે કૌભાંડ સાથે જાડાયેલા પુરાવાઓને નષ્ટ કરવાના તમામ પ્રયાસ કર્યા છે.
સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને રાજીવકુમારની ધરપકડ કરીને પુછપરછ કરવા માટેની મંજુરી માંગી હતી. મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ચિટ ફંડ કૌભાંડની તપાસની પ્રગતિને લઇને પણ ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, હજુ સુધી આ મામલાની તપાસ જે રીતે આગળ વધી છે તે સંતોષજનક નથી.