નવી દિલ્હી : અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્રએ મહત્વપૂર્ણ દિશામાં પહેલ કરી છે જેના પરિણામ સ્વરુપે કેટલીક નવી પહેલ આવનાર દિવસોમાં કરવામાં આવી શકે છે. પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ઇમિગ્રેશન પોલિસીને લઇને હમેશા ચર્ચામાં રહ્યા છે. વારંવાર ઇમિગ્રેશન લોમાં ફેરફારની જાહેરાત કરવામાં આવે છે. હવે એવું જાણવા મળ્યું છે કે, અમેરિકામાં આવનાર લોકોમાં કેટલાક નવા નિયમોને અમલી કરવામાં આવશે. અમેરિકામાં આવતા ઇમિગ્રન્ટ લોકો અંગ્રેજી બોલવામાં સક્ષમ રહેશે અને પોતાના વિષયમાં કુશળતા જાળવશે તો તેમને સારી તક મળી શકે છે.
ટ્રમ્પ સસ્તા દરમાં કામ કરનાર લોકોની ભીડ અમેરિકામાં એકત્રિત કરવા ઇચ્છતા નથી. હવે નવી નિતીથી હજારોન સંખ્યામાં ગ્રીન કાર્ડની રાહ જોતા ભારતીય પ્રોફેશનલોને મુશ્કેલીમાંથી રાહત મળી શકે છે. ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનરની આ નવી યોજના મુખ્યરીતે બોર્ડર સુરક્ષાને મજબૂત કરવા અને ગ્રીન કાર્ડ તથા કાયદેસર પીઆર પોલિસીને યોગ્ય કરવા પર કેન્દ્રિત છે. આનાથી યોગ્યતા અને માસ્ટર ડિગ્રી ધરાવતા અને સ્કીલ્ડ પ્રોફેશનલ લોકો માટે ઇમિગ્રેશન પ્રણાલીને સરળ બનાવી શકાય છે.
હાલની પોલિસી હેઠળ અંદાજિત ૬૦ ટકા ગ્રીન કાર્ડ એવા લોકોને આપવામાં આવે છે જેમના પારિવારિક સંબંધ હોય છે અને માત્ર ૧૨ ટકા ગ્રીન કાર્ડ જ યોગ્યતા આધારે આપવામાં આવે છે. અમેરિકાએ ૨૦૨૦ માટે ભારતીયો માટે લોકપ્રિય એચ-૧બી વિઝા આપવાની સંખ્યા ૬૫૦૦૦ સુધી મર્યાિદત રાખવામાં આવી છે. આજે મોટા પોલિસી નિર્ણયમાં ટ્રમ્પે દેશની ઇમિગ્રેશન પોલિસીમાં મોટાપાયે ફેરફાર કરવા સંકેત આપી દીધા છે. આ દરખાસ્તથી ભારતીયો માટે ગ્રીન કાર્ડની તકલીફને દૂર કરી શકાશે.