૧૭મી લોકસભા માટે યોજાઇ રહેલી ચૂંટણીમાં ખાસ બાબત એ દેખાઇ રહી છે કે આ વખતે કોઇ લીડર અને પાર્ટીની લહેર દેખાઇ રહી નથી. પ્રજાનુ વલણ પણ સ્પષ્ટ દેખાઇ રહ્યુ નથી. કોઇ પણ ગઠબંધન અથવા તો પાર્ટી માટે જીતના દાવા કરવાની બાબત મુશ્કેલ દેખાઇ રહી છે. જેથી કેટલાક ટોપ ક્ષેત્રીય પક્ષોના નેતાઓ તો પહેલાથી જ જાડતોડમાં લાગી ગયા છે. કેટલાક નેતા તો માની બેઠા છે કે કોઇને બહુમતિ મળનાર નથી. આવી સ્થિતીમાં આવા લોકો તો પહેલાથ જ સરકારની રચના કરવા માટેની કવાયતમાં લાગી ગયા છે. આ નેતાઓ પહેલાથી જ તાલમેલ બેસાડી દેવા માટે ઇચ્છુક છે. કારણ કે આ નેતાઓ માને છે કે પરિણામ આવ્યા બાદ જો પહેલાથી જ તાલમેલ કરેલા રહેશે તો વધારે તકલીફ પડશે નહીં. આવી વિચારણા કરનારમાં ક્ષેત્રીય પક્ષો સૌથી આગળ દેખાઇ રહ્યા છે.
આ ક્ષેત્રીય નેતા કોઇ ગઠબંધનનો હિસ્સો બનેલા નથી. આવા નેતાઓ પહેલાથી જ ત્રીજા મોરચાની રચના કરવાના પ્રયાસ કરી રહ્યા છે. જેમ કે તેલંગણાના મુખ્યપ્રધાન ચન્દ્રશેખર રાવે સોમવારના દિવસે ડીએમકેના નેતા એમકે સ્ટાલિનન સાથે વાતચીત કરી હતી. થોડાક સમય પહેલા તેઓએ કેરળના મુખ્યપ્રધાન પી. વિજયન સાથે પણ વાતચીત કરી હતી. કોલકત્તામાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીની સાથે પણ રાવે વાતચીત કરી છે. તેમના પ્રયાસ છે કે બિન કોંગ્રેસ અને બિન ભાજપ પાર્ટીને એકત્રિત કરીને કોઇ ગઠબંધનની રચના કરવામાં આવે. પરંતુ તેમને પણ આ બાબતનો અંદાજ છે ક્ષેત્રીય પાર્ટીઓ તેમની તાકાત પર સરકાર બનાવી શકશે નહીં. હજુ સુધી કેન્દ્રમાં ત્રીજા મોરચાની જે પણ સરકાર બની છે તેમાં ભાજપ અને કોંગ્રેસ તેમજ ડાબેરીઓનુ સમર્થન રહ્યુ છે. જા કે આ સમર્થન ટુંકા ગાળા માટે રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી પાસેથી ક્ષેત્રીય પક્ષો ટેકો મેળવી લેવા માટે તૈયાર છે. જા કે રાવ કહી ચુક્યા છે કે રાહુલ ગાંધીને ડ્રાઇવર સીટ આપવામાં આવશે નહીં. આવી સ્થિતીમાં પણ કોંગ્રેસ પાર્ટી મોદીને સત્તાથી દુર રાખવા માટે ત્રીજા મોરચાની સરકાર ટેકો આપી શકે છે.
બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના લોકો કહી રહ્યા છે કે જો સીટો ઓછી રહેશે તો પણ સાથીઓના સહકાર સાથે સરકાર બનાવી લેશે. સાથીઓનો અર્થ એ છે કે એનડીએ સિવાયના બહારના પક્ષો. એટલે કે ક્ષેત્રીય દળોને પ્રભાવિત કરવામાં તમામ રાજકીય પક્ષો લાગેલા છે. કેન્દ્ર સરકારે ઓરિસ્સાના મુખ્યપ્રધાન નવીન પટનાઇકની સાથે સંબંધ સુધારી દેવા માટેના સંકેતો આપ્યા છે. તેને લાગે છે કે જો જરૂર પડે તો નવીન પટનાઇક, કે. ચન્દ્રશેખર રાવ અને જગન મોહન રેડ્ડીનો સાથ પણ મળે છે. હાલમાં તમામ પક્ષો પોત પોતાની વ્યુહરચના ઘડી કાઢવામાં લાગેલા છે. વાસ્તવિકતા એ છે કે ત્રણેય નેતા સંખ્યાબળ જોઇને જ નિર્ણય કરશે. કારણ કે કેન્દ્રિય સરકારની સાથે મજબુત સંબંધ રાખવાની સ્થિતીમાં તેમને ફાયદો થઇ શકે છે. જો કે હાલમાં તો ત્રણેય પાર્ટી તરફથી કોઇ સંકેત મળી રહ્યા નથી. ભાજપે છેલ્લા તબક્કાની ચૂંટણી પહેલા તમામ તાકાત લગાવી દીધી છે.