નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પરથી ચૂંટણી મેદાનમાં છે. જેથી તમામ લોકોની નજર આ બેઠક પર કેન્દ્રિત થઇ ગઇ છે. જો કે અહીંના કારોબારીઓ નિરાશ દેખાઇ રહ્યા છે. કારણ કે હજુ પણ મોટી સંખ્યામાં લોકો દેખાઇ રહ્યા નથી. આ વખતે અરવિન્દ કેજરીવાલ જેવા કોઇ દમદાર ઉમેદવાર આ સીટ પર નહીં હોવાના કારણે વારાણસીમાં કારોબારમાં મંદી દેખાઇ રહી છે. સમર્થકોની એવી ભીડ પણ દેખાઇ રહી નથી જેવી ભીડ વર્ષ ૨૦૧૪માં દેખાઇ રહી હતી. ચૂંટણી પ્રચાર માટે હવે માત્ર એક સપ્તાહનો સમય બાકી રહ્યો છે ત્યારે નાની મોટી હોટેલોથી લઇને લોજ ગેસ્ટ હાઉસ સુધી તમામ જગ્યાએ ખાલી સ્થિતી દેખાઇ રહી છે.
હાઉસફુલની સ્થિતી કોઇ પણ જગ્યાએ દેખાઇ રહી નથી. ટ્રાવેલ એજન્સીમાં ગાડીઓના બુકિંગને લઇને પણ તકલીફ છે અને મંદી છે. ચૂંટણી સિઝનની શરૂઆત થઇ ત્યારે તમામ લોકો માની રહ્યા હતા કે વારાણસીમાં કારોબારમાં તેજી આવશે. જો કે કોઇ સ્થિતી આ પ્રકારની સર્જાઇ નથી.વારાણસીમાં ચૂંટણી એવા સમય પર યોજાઇ રહી છે જ્યારે પ્રવાસની દ્રષ્ટિએ ઓફ સિઝન છે. ફેબ્રુઆરીથી લઇને સપ્ટેમ્બર સુધી ગરમી અને વરસાદની સિઝન હોવાના કારણે વિદેશી પ્રવાસીઓ વધારે સંખ્યામાં આવતા નથી. આ દિવસોમાં પ્રવાસ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોના હાથ ખાલી રહે છે. છેલ્લી ચૂંટણી પણ આ સમયમાં યોજાઇ હતી. પરંતુ નરેન્દ્ર મોદી ગુજરાતમાંથી નિકળીને દેશન રાજનીતિમાં સક્રિય હોવાના કારણે વારાણસીમાં ચારેબાજુ એક અલગ માહોલ હતો. ચૂંટણી અખાડામાં મોદીની સામે અરવિન્દ કેજરીવાલ કુદી ગયા હતા. સાથે સાથે કેજરીવાલ અહીં સક્રિય દેખાયા હતા. જેથી દેશભરમાંથી આવનાર લોકોની સંખ્યા વધી ગઇ હતી. જેમાં વારાણસીમાં જોરદાર તેજી રહી હતી.
દેશ જ નહીં બલ્કે વિદેશી મિડિયાના લોકો પણ અહી સક્રિય થઇ ગયા હતા. આ વખતે ચૂંટણી લડવા માટે મોદીએ વારાણસી સીટની જ પસંદગી કરી છે. પહેલા તેમની સામે પ્રિયંકાને મેદાનમાં ઉતારી દેવાની ચર્ચા રહી હતી. એ વખતે તમામ લોકો માની રહ્યા હતા કે પાંચ વર્ષ બાદ ફરી એકવાર વારાણસીમાં તેજી આવશે. જો કે છેલ્લી ઘડીએ પ્રિયંકાને ન ઉતારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. મોદીની સામે આ વખતે નબળા ઉમેદવારો મેદાનમાં રહેલા છે. મોદી અને કેજરીવાલ વચ્ચે છેલ્લી વખતે સ્પર્ધા હોવાના કારણે વારાણસીમાં હાઉસફુલની સ્થિતી હતી. તમામ નાના મોટા કારોબારીઓ કમાણી કરી રહ્યા હતા. હોટેલો અને લોજ ફુલ દેખાઇ રહ્યા હતા. જા કે હવે પહેલા જેવી સ્થિતી નથી. આ વખતે ફુચપાથથી લઇને શો રૂમ સહિત તમામ જગ્યાઓ ખાલી દેખાઇ રહી છે.