નવી દિલ્હી : એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં ભારતીય સેનાએ પંજાબ, ગુજરાત, જમ્મુ કાશ્મીર અને રાજસ્થાનની એર ડિફેન્સ યુનિટને હવે પાકિસ્તાનની સાથેની સરહદ પર તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે. જમ્મુ કાશ્મીરના પુલવામા વિસ્તારમાં સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો કરવામા આવ્યા બાદ ભારત દ્વારા પાકિસ્તાનમાં ત્રાસવાદી અડ્ડાઓ પર હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા. જેના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદીલી હાલમાં પ્રવર્તી રહી છે. ભારતે બાલાકોટમાં ત્રાસવાદી અડ્ડાઓ પર હુમલા કર્યા બાદ વિસ્ફોટક સ્થિતી બંને દેશો વચ્ચે ફેલાયેલી છે. નવેસરથી જવાનોની તૈનાતીનો ઉદ્ધેશ્ય પણ સરહદ પારથી કોઇ હવાઇ હુમલાના દુસાહસને નિષ્ફળ કરવાનો રહેલો છે. ભારતની એર ડિફેન્સ યુનિટને સરહદ પર તૈનાત કરવાના નિર્ણય બાદ પાકિસ્તાનમાં ચોક્કસપણે દહેશત રહેશે. પાકિસ્તાનના કોઇ પણ દુસાહસને આના કારણે નિષ્ફળ કરી શકાશે.
હાલમાં પાકિસ્તાનની સેનામાં ભારતને લઇને એટલી દહેશત છે કે બાલાકોટ હવાઇ હુમલાના બે મહિના બાદ પણ પાકિસ્તાને હજુ સુધી સરહદ પર મોટી સંખ્યામાં જવાનોની તૈનાતી કરી છે. સરહદની નજીક પાકિસ્તાને વ્યુહાત્મક રીતે ઉપયોગી શંકરગઢ ખાતે આશરે ૩૦૦ ટેંકની પણ તૈનાતી કરી છે. ૨૬મી ફેબ્રુઆરીના દિવસે ભારતીય હવાઇ દળે બાલાકોટ સ્થિત જેશે મોહમ્મદના સૌથી મોટા ટ્રેનિંગ કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ અને તેમના આકાઓ તેમજ ટ્રેનરના મોત થયા હતા. ભારતીય હવાઇ દળ દ્વારા પાકિસ્તાનમાં ત્રાસવાદ અડ્ડા પર જારદાર હુમલા કરવામાં આવ્યા બાદ આ નિર્ણય કરવામનાં આવ્યો હતો. પોકમાં પાકિસ્તાને ભારતીય સરહદ પર જવાનોની સંખ્યાને વધારી દીધી છે.
અલબત્ત થોડાક સમયમાં તેના દ્વારા સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે. હજુ પણ પાકિસ્તાને ૧૨૪ આર્મર્ડ બ્રિગેડ, ૧૨૫ આર્મર્ડ બ્રિગેડ તેમજ આઠ અને ૧૫ ડિવીજનની સરહદ પરથી વાપસી થઇ નથી. પાકિસ્તાનની સેનાના મોટી સંખ્યામાં જવાનો હથિયારો સાથે હજુ સજ્જ છે. રિપોર્ટમાં સરકારી સુત્રોને ટાંકીને હેવાલમાં કહેવામાં આવ્યુ છે કે પાકિસ્તાને સરહદ પર સૈન્ય ટુકડીઓની જે આક્રમક રચના કરી છે તેની પાછળ પાકિસ્તાની સેનાના અધિકારીઓ હોઇ શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ દિન પ્રતિદિન વધારે ગંભીર અને વિસ્ફોટક બની રહ્યા છે. એવા હેવાલ પણ મળી રહ્યા છે કે પાકિસ્તાન ભારતના હુમલાના કારણે પરેશાન છે અને તે કોઇ પણ કિંમતે ભારતને નુકસાન કરવાની યોજના ધરાવે છે. આવી સ્થિતીમાં ભારતીય સેના સંપૂર્ણપણે એલર્ટ છે.