અમદાવાદ : મહેસાણા જિલ્લાના કડીમાં એક સગી માતાએ પોતાની ૧૨ દિવસની ફુલ જેવી બાળકીને પાણીની ટાંકીમાં નાંખી દેતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ સમગ્ર ઘટનામાં માસૂમ બાળકીનું મોત નીપજ્યું હતું, જેને લઇ લોકોમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. હત્યા કર્યા બાદ માતાએ બે દિવસ બાદ માવતર લજવતા પોતાના ગુનાની કબૂલાત કરી લીધી હતી. પોલીસે આરોપી માતા વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, દંપતીના ૨૦૧૫માં પ્રેમલગ્ન થયા હતા. લગ્ન પછી બંન્ને કડીના લુહારકુઈ ખાતે રહેતા હતા. પરિવારમાં ૧૨ દિવસ પહેલા જ બાળકીનો જન્મ થયો હતો. જન્મ બાદ બાળકીને પીળીયો થતા તેની સારવાર ચાલી રહી હતી. તે દરમિયાન પતિ નરેશ દૂધ લેવા નીકળ્યો હતો ત્યારે તેની નજર અંડરગ્રાઉન્ડ ટાંકીમાં બાળકીના મૃતદેહ પર પડી હતી. ઘટનાના બે દિવસ બાદ મનીષા બાળકીના મોતને સહન ના કરી શકી અને પોતે જ ગુનાની કબુલાત કરી હતી. મનીષાએ અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં બાળકીને નાંખીને ઢાંકણું બંધ કરી દેતા મોત નીપજ્યું હતું. કડી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
જો કે, બનાવને લઇ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા સાથે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. બીજીબાજુ, માતાએ કયા કારણસર અને કયા સંજાગોમાં માત્ર ૧૨ દિવસની બાળકીને પાણીની ટાંકીમાં નાંખી દઇ તેનું મોત નીપજાવ્યું તેને લઇ હવે તપાસ શરૂ કરી છે. તો, બીજીબાજુ, સ્થાનિક નાગરિકો ખાસ કરીને મહિલાઓમાં એવી પણ જારશોરથી ચર્ચા ચાલી હતી કે, માત્ર ૧૨ દિવસની ફુલ જેવી બાળકીને પાણીની ટાંકીમાં ફેંકી દેતાં આવી માતાનો જીવ કેવી રીતે ચાલ્યો હશે તે વિચાર કે કલ્પના માત્રથી કંપારી છૂટી જાય છે. હાલ તો, પરિવારમાં શોકનો માહોલ પથરાયો છે.