નવી દિલ્હી : ખાદ્યાન્ન ચીજવસ્તુઓની કિંમતમાં વધુ વધારો થયા બાદ રિટેલ ફુગાવો એપ્રિલ મહિનામાં છ મહિનાની ઉંચી સપાટીએ પહોંચી ગયો છે પરંતુ રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલી આગાહી કરતા ફુગાવો નિચી સપાટીએ રહ્યો છે જેથી જૂન મહિનામાં ચાવીરુપ વ્યાજદરમાં વધુ ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. એપ્રિલ મહિનામાં વાર્ષિક રિટેલ ફુગાવો ૨.૯૨ ટકા થઇ ગયો છે જે અગાઉના મહિનામાં ૨.૮૬ ટકા હતો પરંતુ હજુ પણ આરબીઆઈ દ્વારા કરવામાં આવેલી આગાહી કરતા આ દર ઓછો છે. સરકાર દ્વારા આજે જારી કરવામાં આવેલા આંકડામાં આ મુજબની વાત કરવામાં આવી હતી.
કઠોળમાં ફુગાવો માઇનસ ૦.૯ ટકા રહ્યો છે. એપ્રિલ મહિનામાં ફુડ બાસ્કેટમાં ફુગાવો ૧.૧ ટકા અને માર્ચ મહિનામાં ૦.૩ ટકા હતો. સતત નવમાં મહિનામાં મોંઘવારીનો દર રિઝર્વ બેંક દ્વારા નક્કી કરવામાં આવેલા ટાર્ગેટ કરતા ઓછો રહ્યો છે. રિઝર્વ બેંક દ્વારા રિટેલ ફુગાવો ચાર ટકા નક્કી કરવામાં આવ્યો છે. જાણકાર લોકોના કહેવા મુજબ એપ્રિલ મહિનામાં ફુગાવો ૨.૯૭ ટકા રહેવાની વાત કરવામાં આવી હતી. ડેટામાં જણાવવામાં આવ્યું છે કે, નવેમ્બર ૨૦૧૩માં ફુગાવો ૧૨ ટકાની ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. તે વખતે નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં સત્તા સંભાળી હતી.
ત્યારબાદથી ફુગાવામાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થયો છે. સામાન્ય ચૂંટણીમાં બીજી અવધિ મોદી શરૂ કરવાના પ્રયાસ કરી રહ્યા છે ત્યારે સામાન્ય ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા ૧૧મ એપ્રિલે શરૂ થઇ હતી. સાત તબક્કાની ચૂંટણી પૈકી છ તબક્કામાં ચૂંટણી પૂર્ણ થઇ ચુકી છે. ૨૩મી મેના દિવસે મતગણતરી હાથ ધરાશે. નીચા ફુગાવાના લીધે અર્થતંત્રને મદદ મળી રહી છે. કૃષિ આવકની અસર થઇ રહી છે. ઓછા ફુગાવાના કારણે અર્થતંત્રને ફાયદો થયો છે પરંતુ બેરોજગારી ઉંચી સપાટીએ પહોંચી છે.