અમદાવાદ : અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઈવેના ફતેહપુરા નજીક સ્વીફ્ટ કારનું ટાયર ફાટતા સર્જાયેલા ગંભીર ગમખ્વાર અકસ્માતમાં ચાર વ્યકિતના ઘટનાસ્થળે જ મોત નીપજ્તાં ભારે ચકચાર મચી ગઇ હતી. કારનું ટાયર ફાટતાં ઓવરસ્પીડ કાર રેલીંગ તોડીને હાઇવે પરથી નીચે ખાબકી હતી અને જોરદાર રીતે અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં બેઠેલા પાંચ પુરૂષો પૈકી ચારના કરૂણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. જ્યારે એકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ઈજાગ્રસ્ત અને મૃતકોને નડિયાદની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસે પણ તાત્કાલિક ત્યાં દોડી આવી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
પાંચેય યુવક મુંબઈથી રાજસ્થાન એક પ્રસંગમાં જઈ રહ્યાં હતા તે દરમ્યાન અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઇવે પર આ અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર પાંચેય યુવક મુંબઈમાં બિઝનેસ સાથે સંકળાયેલા હતા અને મુંબઇથી જ સીધા રાજસ્થાન એક પ્રસંગમાં હાજરી આપવા માટે નીકળ્યા હતા. કાર (સ્વીફ્ટ ડીઝાયર-એમએચ-૦૪-ડીએન-૯૯૭૫)એટલી ઓવરસ્પીડ હતી કે, તેનું ટાયર ફાટતા કાર રેલિંગ સાથે અથડાઈને એક્સપ્રેસ હાઈવે પરથી ૨૦ ફૂટ નીચે ખાબકી હતી.
જેથી કારમાં સવાર પાંચમાંથી ચારના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે એકને ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતા નડિયાદ ફાયર બ્રિગેડ અને પોલીસ કાફળો ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો. અકસ્માતનો ભોગ બનેલા યુવકોના મૃતદેહ અને ઇજાગ્રસ્ત એક વ્યકિતને નડિયાદની હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ત્યાં પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.