શીખ રમખાણ પ્રશ્ને હોબાળો થયા બાદ પિત્રોડા દ્વારા માફી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : વર્ષ ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણના સંદર્ભમાં સામ પિત્રોડાના નિવેદનથી ભારે હોબાળો થઈ ગયો છે. હોબાળો થયા બાદ ૧૯૮૪ના રમખાણ મુદ્દે પિત્રોડાએ માફી માંગી છે અને કહ્યું છે કે હિન્દી ભાષા સારી ન હોવાના કારણે ખોટી રીતે રજુઆત થઈ ગઈ હતી. સામ પિત્રોડાએ કહ્યું હતું કે તેમના નિવેદનને ખોટી રીતે લેવામાં આવ્યું હતું. તેમના કહેવાનો મતલબ એ હતો કે જે થયું હતું તે ખોટુ થયું હતું. તેઓ પોતાના દિમાગમાં ખોટા શબ્દનો અનુવાદ કરી શક્યા ન હતા. તેમણે કહ્યું હતું કે તેમના નિવેદનને ખોટી રીતે લેવામાં આવ્યું હતું. આના માટે તેઓ માફી માંગે છે.

સામ પિત્રોડાના નિવેદનને લઈને ભાજપ દ્વારા સતત કોંગ્રેસ ઉપર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની તમામ રેલીઓમાં સામ પિત્રોડાના નામનો ઉલ્લેખ કર્યો હતો. હરિયાણાની એક ચુંટણી સભામાં તેમણે કહ્યું હતું કે ગુરૂવારના દિવસે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે ૧૯૮૪માં રમખાણો થયા તો થયા આ ત્રણ શબ્દો કોંગ્રેસની સ્થિતિ દર્શાવે છે. પંજાબના હોશિયારપુરમાં તેમણે કહ્યું હતું કે ત્રણ દશક બાદ શીખ રમખાણોનો શિકાર થયેલા લોકોને ન્યાય મળ્યો છે. જ્યારે કોંગ્રેસ કહે છે કે જે થયું છે તે થયું છે. ચુંટણી માહોલમાં સામ પિત્રોડાના નિવેદનથી કોંગ્રેસની મુશ્કેલી વધી ગઈ છે.

સામ પિત્રોડાએ આજે કહ્યું હતું કે તેમના નિવેદનનો મતલબ એ હતો કે મૂવ ઓન હતો. અમારી પાસે ચર્ચા કરવા માટે ઘણા બધા વિષય છે જેમ કે ભાજપે છેલ્લા પાંચ વર્ષમાં શું કર્યું છે અને શું કરી દીધું છે. આને ખોટી રીતે રજુ કરવાનો કોઈ મતલબ નથી. કોંગ્રેસ પાર્ટીએ પણ આ સંબંધમાં નિવેદન જારી કરીને ખુલાસો કર્યો છે. કોંગ્રેસે કહ્યું  છે કે અમારા સમાજમાં હિંસાને કોઈ જગ્યા નથી. પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ પાર્ટી અને તેમના નેતૃત્વએ હંમેશા ૧૯૮૪ના રમખાણોમાં શિકાર થયેલા લોકો માટે ન્યાયની ખાતરી કરી છે.

Share This Article