નવી દિલ્હી : પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા એર સ્ટ્રાઇકમાં માર્યા ગયેલા ત્રાસવાદીઓને લઇને રાજકીય ચર્ચા ચાલી રહી છે ત્યારે એક વિદેશી પત્રકારે દાવો કર્યો છે કે ભારતીય હવાઇ દળ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં જેશે મોહમ્મદના ૧૩૦થી ૧૭૦ ત્રાસવાદીઓ ફુંકાઇ ગયા હતા. કાશ્મીરના પુલવામા ખાતે ત્રાસવાદીઓ દ્વારા ૧૨મી ફેબ્રુઆરીના દિવસે સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ બનાવીને ભીષણ આત્મઘાતી હુમલો કર્યો હતો.
જેમાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થયા હતા. જેશે મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી હતી. આ હુમલા બાદ ભારતીય હવાઇ દળે પાકિસ્તાનમાં ઘુસીને જારદાર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ ભારતીય સેનાએ કહ્યુ હતુ કે મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ માર્યા ગયા છે. ભારતે ૨૬મી ફેબ્રુઆરીના દિવસે હુમલો કર્યો હતો. ફ્રાન્સેસ્કા મરીનો નામની વિદેશી પત્રકારે કહ્યુ હતુ કે ભારતીય હવાઇ દળની કાર્યવાહીમાં ભારે નુકસાન થયુ હતુ. અત્રે નોંધનીય છે કે ચીન દ્વારા વારંવાર અડચણો ઉભી કરવામાં આવ્યા બાદ આખરે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જેશના લીડર મસુદ અઝહરને વૈશ્વિક ત્રાસવાદી જાહેર કરવામાં આવ્યો હતો.
વિદેશી પત્રકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ભારત દ્વારા વહેલી પરોઢે હુમલો કરવામાં આવ્યા બાદ પાકિસ્તાનની સેનાની એક ટુકડી છ વાગે ત્યાં પહોંચી હતી. એર સ્ટ્રાઇકમાં ૧૭૦ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. જ્યારે ૨૦ના સારવનાર દરમિયાન મોત થઇ ગયા હતા. ઘાયલ થયેલા ૪૫ ત્રાસવાદીઓની સારવાર હાલમાં પણ ચાલી રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે પાકિસ્તાની સેનાએ ઘાયલ થયેલા લોકોને કેમ્પથી બહાર જવાની મંજુરી આપી નથી. એર સ્ટ્રાઇકમાં માર્યા ગયેલા ત્રાસવાદીઓ પૈકી ૧૧ ટ્રેનર તરીકે હતા.