અમદાવાદ : વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે સાથે સમગ્રલક્ષી વિકાસને આગળ ધપાવવાના હેતુ સાથે આગળ વધીને ભારતના અગ્રણી શિક્ષણલક્ષી જૂથ કેલોરકસે પાયાના સ્તરે વિવિધ રમતોનું કોચીંગ પૂરૂ પાડતી સંસ્થા ધ સ્પોર્ટસ ગુરૂકુલ (ટીએસજી) સાથે મળીને અમદાવાદમાં ધ સ્પોર્ટસ ગુરૂકુલ હાઈ પરફોર્મન્સ સેન્ટર (એચપીસી) સ્થાપવાની પહેલ કરી છે. આજે દિલ્હી પબ્લિક સ્કૂલ, બોપલ ખાતે આ વર્લ્ડકલાસ કક્ષાની તાલીમ આપતાં એચપીસીનો પ્રારંભ થયો હતો.
આ પ્રસંગે બોપલ ડીપીએસ સ્કૂલના પ્રિન્સીપાલ શ્રી સુરેન્દ્ર સચદેવા, ધ સ્પોર્ટસ ગુરૂકુલના સહસ્થાપક જય શાહ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બોપલ ડીપીએસ ખાતે પ્રારંભ કરાયેલા અમદાવાદના સૌપ્રથમ હાફ ઓલિમ્પિક કક્ષાની વિશેષતા ધરાવતા સેન્ટર અને વિદ્યાર્થીઓ-બાળકો માટે બહુ ઉમદા પ્લેટફોર્મ હવે પ્રાપ્ય બન્યુ હોવાની જાહેરાત કરતાં બોપલ ડીપીએસ સ્કૂલના પ્રિન્સીપાલ શ્રી સુરેન્દ્ર સચદેવા અને ધ સ્પોર્ટસ ગુરૂકુલના સહસ્થાપક જય શાહે જણાવ્યું કે, ડીપીએસ, બોપલ સ્કૂલ ખાતેનું હાઇ પરફોર્મન્સ સેન્ટર(એચપીસી)એ અમદાવાદની અનોખી મલ્ટીસ્પોર્ટસ એકેડમી છે કે જે ક્રિકેટ, ફૂટબોલ, ટેનિસ, સ્કેટીંગ, વાલીબોલ, ટેબલ ટેનિસ, સ્વિમીંગ, ઈનડોર રાયફલ-શૂટીંગ અને ચેસ તથા અન્ય વિવિધ રમતો શીખવા, રમવા તથા તેની પ્રેકટીસ કરવા માટે ઉચ્ચ ગુણવત્તા ધરાવતી માળખાગત સુવિધાઓ પૂરી પાડશે.
આ સેન્ટર ૨૫ મીટર લાંબા હાફ-ઓલિમ્પીક સાઈઝ સ્વિમીંગ પૂલથી સજ્જ છે. આગળ જતાં એચપીસી બેડમિંગ્ટન, જીમ્નેસ્ટીક્સ અને અન્ય ઓલિમ્પીક રમતો માટે માળખાગત સુવિધાઓ સ્થાપશે. આ સેન્ટર માત્ર ડીપીએસ, બોપલના વિદ્યાર્થીઓ પૂરતું સીમિત નથી પરંતુ અમદાવાદના કોઇપણ વિદ્યાર્થીઓ કે બાળકો તેનો હિસ્સો બની શકશે. આ સેન્ટર ખાતેથી વિશ્વકક્ષાએ સ્પોર્ટસમાં કાઠુ કાઢી શકે તેવા પ્રતિભાવંત ખેલાડીઓને તૈયાર કરવાનું લક્ષ્યાંક છે. બોપલ ડીપીએસ સ્કૂલના પ્રિન્સીપાલ શ્રી સુરેન્દ્ર સચદેવા અને ધ સ્પોર્ટસ ગુરૂકુલના સહસ્થાપક જય શાહે વધુમાં ઉમેર્યું કે, અમે બાળકોના સમગ્રલક્ષી વિકાસમાં માનીએ છીએ અને બહેતર શારીરિક અને માનસિક વિકાસ થાયતે માટે સતત પ્રયત્નશીલ છીએ. ધ સ્પોર્ટસ ગુરૂકૂળના સહયોગથી એચપીસીનો પ્રારંભ અમારા બાળકોની ફીટનેસ અને વેલનેસ માટેના એકંદર પ્રયાસ તરફ ધ્યાન દોરતું આ દિશાનું મહત્વનું કદમ છે. આ પ્રયાસ બાળકોને તેમની પસંદગીની રમત શિખવા અને તેમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરવા માટેની તક પૂરી પાડવા પૂરતો જ સીમિત નથી.
આ ઉપરાંત તે પ્રતિભાશાળી બાળકોને રમતગમતમાં કારકીર્દિ ઘડવા માટે સશક્તિકરણ કરતું પ્લેટફોર્મ પણ બની રહેશે.હેલ્થ અને ફીટનેસના પ્રોત્સાહન માટે ટેકનોલોજીનો ઉપયોગ કરતું એચપીસી ટૂંક સમયમાં એની મોબાઈલ એપ્લિકેશન શરૂ કરીને તેની મારફતે માતા-પિતા, કોચ અને સાથે સાથે એકેડેમીના વહિવટકર્તાઓ તેમના બાળકોની પ્રગતિ અંગે ધ્યાન રાખી શકશે. ડીપીએસ બોપલ ખાતે શરૂ કરાયેલ આ સેન્ટર રમત-ગમતની વિવિધ શાખાઓમાં તાલીમની તક એક જ સ્થળે પૂરી પાડશે. યુવાનોમાં રમત-ગમતને પ્રોત્સાહન આપવાની સાથે સાથે યુવાનોની તંદુરસ્તીના લક્ષ્યાંક માટે અમે ડીપીએસ, બોપલ સાથે મળીને આયોજન કર્યું છે. એકંદરે પાયાના સ્તરે અમલમાં મૂકવામાં આવેલ આ વ્યાપક સ્તરની પહેલથી દેશભરમાં સ્પોર્ટસ કલ્ચર ખીલવવામાં સહાયરૂપ થશે. કેલોરક્સ એજ્યુકેશન જેવી શિક્ષણ ક્ષેત્રે અગ્રણી સંસ્થાન સાથે મળીને પાયાની આ કામગીરી હાથ ધરતાં અમે દેશમાં શાળાની જગ્યાના ઉપયોગ માટે ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડવા માટે આશાવાદી છીએ.