રાજ અને સીમા વચ્ચે સખત ઝઘડો થઈ ગયો છે. આ વાતને આજે સાત દિવસ થઈ ગયા. બંને એક બીજા સાથે બોલતા પણ નથી. બંનેમાંથી કોઈ યાદ પણ નથી કે ઝઘડો એક્ઝેટલી કઈ બાબતને લીધે થયો હતો, પણ એકે રીસ ચડાવી તો બીજાએ પણ ચડાવી. કોઈ વાતચીત થાય તો ખ્યાલ આવે કે કોને શું પ્રોબલેમ હતો. રાજે સીમા સાથે એક ખરાબ વર્તન કર્યું એટલે સીમાએ પણ તેનો બદલો લેવા સામે એવુ જ વર્તન કર્યુ. પછી રાજનો વારો આવ્યો અને પછી આમ સિલસિલો ચાલતો રહ્યો.
પતિએ કરેલું એક અણગમતુ વર્તન…એના રીએક્શનમાં લગ્નજીવનનાં આ સાત દિવસ તો નક્કામાં જ ગયા. ઘરનાં આ ટેન્શનને લીધે બંને જણાં જોબ પર પણ ૧૦૦ ટકા નથી આપી શકતા. તણાવ, સ્ટ્રેસ અને નેગેટિવિટી. જો આ પરિસ્થિતિમાં પતિએ કરેલા પહેલા ખરાબ વર્તન માટે તેની સાથે રીસ ચડાવવા કે બદલો લેતા પહેલા એકવાર બેસીને વાત કરી લીધી હોત તો કદાચ સોલ્યૂશન આવી ગયું હોત. એટલિસ્ટ તેને ખબર પડી હોત કે આ પ્રકારની વાત કે વર્તન તમને પસંદ નથી. આ તો માત્ર એક ઉદાહરણ છે. આપણી આસપાસ આવા કેટલાય કપલ હશે જેમની સાથે પણ આવુ જ બનતુ હોય છે. આવા કેસમાં ઘણીવાર ના પતિનો ૧૦૦ ટકા વાંક હોય છે, ના તો પત્નીનો ૧૦૦ ટકા વાંક હોય છે. પરંતુ પોતાની વાત એકબીજા સમક્ષ રજૂ નથી કરી શકતા. ક્યાંક સંકોચ તો ક્યાંક ઈગો હોય છે. બંને જણા સાથે અને સુખી જ રહેવા માગતા હોય તો કોઈએ તો આ ચૂપ્પી તોડવી પડશે ને…કોઈએ તો સંકોચ અને ઈગો સાઈડમાં મૂકીને વાત કરવાની શરૂઆત કરવી પડશેને…કોઈ પણ સંબંધમાં માણસ આટલી વાત સમજી જાય અને અન્ય સામે નહીં , જેની સાથે પ્રોબલેમ છે તેની સાથે જ સામે ઠલવાઈ જાય તો દુનિયામાં કોઈ કાઉન્સિલર કે સાયકોલોજીસ્ટની જરૂર ન પડે.
વાત અઘરી પણ સાચી છે. ઘણાં સંબંધો ખૂલાસા ન કરવાને લીધે બગડતા હોય છે. જો આપની સાથે પણ આવુ થતું હોય તો તમારા સંબંધને તંદૂરસ્તી અને આયુષ્ય જાળવવા માટે પણ બસ આગળ આવી પોતાનો પક્ષ કહેવાની શરૂઆત તો કરી જુઓ.