અમદાવાદ : ગુજરાત બાર કાઉન્સીલના સ્ટેટરોલ પર નોંધાયેલા ૬૨૩૮ વકીલોને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની વેલ્ફેર ફીની રકમ નહી ભરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવતાં રાજયના વકીલઆલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. જા કે, સસ્પેન્ડ થનાર વકીલો વેલ્ફેર ફીની રકમ તથા બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાએ નક્કી કરેલી દંડનીય રકમ ભરીને પોતાનું સસ્પેન્શન રદ કરાવી શકે છે. ગુજરાત બાર કાઉન્સીલના ચેરમન દિપેન કે.દવે, બીસીઆઇ એડવોકેટ વેલ્ફેર કમીટી ફોર ધી સ્ટેટના ચેરમેન દિલીપ કે.પટેલ તથા સભ્યો અનિલ સી.કેલ્લા અને કિશોરકુમાર ત્રિવેદીની અધ્યક્ષતામાં મળેલી મહત્વની બેઠકમાં ૬૨૩૮ વકીલોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાત બાર કાઉન્સીલના સપાટાને પગલે વકીલઆલમમાં ફફડાટની લાગણી પણ ફેલાઇ ગઇ છે.
ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા લેવાયેલા સસ્પેન્શનના નિર્ણયને પગલે રાજયના વકીલઆલમમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. આ અંગે ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન દિપેન કે.દવે અને પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા ગુજરાતના સ્ટેટ રોલ પર નોંધાયેલા જરૂરિયાતમંદ વકીલોને માંદગી સહાય ચૂકવવામાં આવતી હોય છે અને તે માટે દરેક વકીલોએ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના રૂલ-૪૦ મુજબ, આજીવન ફી રૂ.ત્રણ હજાર ફરજિયાતપણે ભરવાની હોય છે. જા આ વેલ્ફેરની રકમ કોઇપણ વકીલ ના ભરે તો, તેવા એડવોકેટને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના રૂલ-૪૨ મુજબ, સસ્પેન્ડ કરવાની જોગવાઇ છે.
ગુજરાત બાર કાઉન્સીલના રોલ પર નોંધાયેલ ૭૬ હજાર વકીલો પૈકી ૬૨૩૮ વકીલોએ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના રૂલ-૪૦ મુજબ માંદગી સહાયની વેલ્ફેર ફી ભરી નહી હોવાનું ધ્યાન પર આવતાં આ ૬૨૩૮ વકીલોને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના રૂલ-૪૨ મુજબ, સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેને પગલે તેઓ વકીલાત તરીકેની પ્રેકટીસ કરી શકશે નહી. હવે જો આ વકીલોએ પોતાની વકીલાતની પ્રેકટીસ ચાલુ કરવી હશે તો, તેઓએ વેલ્ફેર ફીની રકમ અને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાએ નક્કી કરેલી દંડનીય રકમ જમા કરાવી પોતાનું સસ્પેન્શન રદ કરાવવું પડશે અને ત્યારબાદ ફરી પાછી પ્રેકટીસ શરૂ કરી શકશે.
ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન દિપેન કે.દવે અને પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લાએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા આ નિર્ણયની જાણ સંબંધિત બાર એસોસીએશનો, ગુજરાત હાઇકોર્ટ તેમ જ રાજયની વિવિધ જિલ્લા-તાલુકા અદાલતોને પણ કરવામાં આવી છે. એટલું જ નહી, બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની વેબસાઇટ પર પણ આ ૬૨૩૮ વકીલોના નામની યાદી મૂકવાનું નક્કી કરાયું છે. આ સિવાય બેઠકમાં ગુજરાત રાજયના બાવનથી વધુ એડવોકેટ્સને માંદગી સહાય પેટે કુલ રૂ.૧૫ લાખ ચૂકવવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા સને ૨૦૦૨માં બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના રૂલ-૪૦ હેઠળ વકીલોની માંદગી સહાય માટે વેલ્ફેર ફી ની આજીવન ફી લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને આ વેલ્ફેર ફીની એકત્રિત થયેલી રકમના વ્યાજમાંથી ગુજરાતના વકીલોને માંદગી સહાય ચૂકવવામાં આવે છે. અગાઉ પણ ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા ૨૦૦૪માં આ પ્રકારનો સપાટો બોલાવવામાં આવ્યો હતો, જેને પગલે વકીલઆલમમાં ભારે ચર્ચા ચાલી હતી.