ભુવનેશ્વર : ઓરિસ્સામાં વિનાશકારી તોફાન ફેની ત્રાટક્યાને એક દિવસ બાદ જનજીવનને સામાન્ય બનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. વીજળી, ટેલિકોમ, રેલવે અને એર કનેક્ટીવિટીને ફરી પુનઃ સ્થાપિત કરી દેવામાં આવી છે. જનજીવન રાબેતા મુજબ બની રહ્યું છે. સાયક્લોન ફેનીના કારણે પુરી, ભુવનેશ્વર, ઓરિસ્સામાં અન્ય કેટલાક ભાગોમાં દુરસંચાર અને વીજળી વ્યવસ્થા ઠપ થઈ ગઈ હતી. ટેલિ કોમ્યુનિકેશન, પાવર ઈન્ફ્રાસ્ટ્રકચરને સૌથી વધારે નુકસાન થયું છે. રાજ્યમાં રેલવે અને એર કનેક્ટીવિટી પુનઃ સ્થાપિત કરી દેવામાં આવી છે. કેબિનેટ સચિવ પી.કે. સિંહાના નેતૃત્વમાં નેશનલ ક્રાઇસિસ મેનેજમેન્ટ કમિટીની બેઠક આજે યોજાઈ હતી. જેમાં તોફાનગ્રસ્ત ઓરિસ્સા, બંગાળ, આંધ્રપ્રદેશના વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
ઓરિસ્સામાં જોરદાર રીતે તોફાન ત્રાટક્યાના એક દિવસ બાદ બેઠકોનો દોર રહ્યો હતો. ઓરિસ્સામાં માહિતી આપવામાં આવી છે કે ટેલિકોમ્યુનિકેશન અને પાવર ઈન્ફ્રાસ્ટ્રકચરને સૌથી વધારે નુકસાન થયું છે પરંતુ વ્યવસ્થા પુનઃ શરૂ કરી દેવામાં આવી છે. પુરી, ભુવનેશ્વર અને અન્ય વિસ્તારોમાં વ્યવસ્થા ગઈકાલે ઠપ થયા બાદ જનજીવન ઉપર અસર થઈ હતી. સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા. સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિકરાળ તોફાન હોવા છતાં સમયસર લેવાયેલા પગલાથી તેની વિનાશકતાને જોતા તમામમાં ખૂબ ઓછુ નુકસાન થયું છે. આઠ લોકોના મોત થયા છે અને ૧૬૦ લોકો ઘાયલ થયા છે.
બંગાળ સરકારે કહ્યું છે કે ખૂબ ઓછા પ્રમાણમાં નુકસાન થયું છે. આંધ્રપ્રદેશ સરકારે ભારે વરસાદની વાત કરી છે. શ્રીકાકુલમ જિલ્લામાં માર્ગો અને પાર્કને નુકસાન થયું છે. રેલવે દ્વારા તમામ ટ્રેક વ્યવસ્થિત કરી દેવામાં આવ્યા છે. વિમાની સેવા પુનઃ શરૂ થઈ ચુકી છે. કેબિનેટ સચિવે ઓરિસ્સા સરકારની મદદ કરવા માટે વીજળી અને દુરસંચાર વિભાગના મંત્રાલયને સ્પષ્ટ આદેશ કર્યો છે. ઈલેકટ્રિકલ પોલ, ગેંગવર્ક મેન, ડિઝલ જનરેટલ સેટ ઉપલબ્ધ કરાવવા માટે સૂચના આપવામાં આવી છે. દુરસંચાર વિભાગે સંકેત આપ્યો છે કે મોબાઈલ સેવા ફરી વાર શરૂ કરી દેવામાં આવી છે. બંદર અને રિફાઈનરી સ્થળોને કોઈ નુકસાન થયું નથી. એનડીઆરએફની ૧૬ ટીમો ઓરિસ્સામાં ગોઠવાઈ છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા નીટની પરીક્ષા ઓરિસ્સામાં મોકુફ કરાઈ છે.