ઈસ્લામાબાદ : સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકવાદ તરીકે જાહેર કરવામાં આવ્યા બાદ જૈશે મોહંમદના લીડર અને કુખ્યાત આતંકવાદી મસૂદ અઝહર પર પ્રવાસ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. સાથે સાથે પાકિસ્તાને તેની સંપત્તિ જપ્ત કરવા માટેનો પણ આદેશ જારી કરી દીધો છે. પાકિસ્તાન દ્વારા સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યા બાદ તેની અસર કેટલી રહે છે તેના ઉપર આગામી દિવસોમાં નજર રહેશે. મસૂદ અઝહર પર કાર્યવાહી પાકિસ્તાને ફરી એકવાર વિશ્વને ગેરમાર્ગે દોરવા માટે કરી છે કે કેમ તેને લઈને પણ ટુંક સમયમાં જ માહિતી સપાટી ઉપર આવી શકશે.
પાકિસ્તાન સ્થિત મસૂદ અઝહર ઉપર હવે હથિયારો અને દારૂગોળાની ખરીદી અથવા તો વેચાણને લઈને પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ઈસ્લામિક સ્ટેટ અને અલકાયદા અંગેની સંયુક્ત રાષ્ટ્રની પ્રતિબંધિત સંદર્ભની સમિતિએ બુધવારના દિવસે જૈશે મોહંમદના લીડર મસૂદ અઝહરને વૈશ્વક આતંકવાદી જાહેર કર્યો હતો. અલકાયદા સાથે તેના સંબંધો પણ રહેલા છે. જૈશે મોહંમદ દ્વારા પુલવામા હુમલાની જવાબદાર સ્વીકારવામાં આવી હતી. ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવેલા આ હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા હતા.
૧૪મી ફેબ્રુઆરીના દિવસે કરવામાં આવેલા સીઆરપીએફ કાફલા પરના આ આત્મઘાતી હુમલા બાદ દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. આ આત્મઘાતી હુમલા બાદ જ જવાબી કાર્યવાહી રૂપે ભારતે પાકિસ્તાનમાં ઘુસીને બાલાકોટમાં હવાઈ હુમલા કર્યા હતા. આતંકવાદી અડ્ડાઓ પર બોમ્બ ઝીંકવામાં આવ્યા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો આના કારણે વિસ્ફોટક બન્યા હતા. ભારત સરકારે જૈશે મોહંમદના લીડર સામે પ્રતિબંધને અમલી કરવા માટે યોગ્ય પગલા લેવા સૂચના આપી હતી. સંયુક્ત રાષ્ટ્રે મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી અંતે જાહેર કર્યો હતો અને ચીનના વાંધાઓને ફગાવી દેવાયા હતા. ભારતની આને મોટી જીત તરીકે ગણવામાં આવે છે.