અમદાવાદ : મોરવા હડફના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આજે સસ્પેન્ડ કરતાં ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ભારે ચકચાર મચી ગઇ છે. તેની સામે ભૂપેન્દ્રસિંહ ખાંટે સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી દર્શાવી છે. વિધાનસભાની મોરવા હડફની અનુસૂચિત જનજાતિ અનામત બેઠક પરથી ખાંટે આદિવાસી સમાજનું પ્રમાણપત્ર રજૂ કરી ઉમેદવારી નોંધાવી ચૂંટણી જીત્યા હતા. જેની સામે ભાજપના હારેલા ઉમેદવારે પ્રમાણપત્ર રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેની પર હાલ કોર્ટ કાર્યવાહી ચાલી રહી છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, મોરવા હડફના અપક્ષ ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ખાટનું ધારાસભ્યપદ ગેરલાયક ઠરાવાયું છે.
કારણ કે આ મામલે ગુજરાતના રાજ્યપાલ પાસે પિટિશન થઈ હતી, જેમાં ગઈકાલે રાજ્યપાલે તેમને ગેરલાયક ઠેરવવાનો હુકમ કરતા આ નિર્ણય કરવામાં આવ્યો છે. આમ, હવે ૧૨૫ મોરવાહડફના ભુપેન્દ્ર ખાંટના ગેરલાયક કરવાથી મોરવાહડપની બેઠક ખાલી પડશે. આ બેઠકમાં તેમણે વિધાનસભાની ચૂંટણી દરમિયાન રજૂ કરેલુ અનુસુચિત જાતિનું પ્રમાણપત્ર યથાર્થ ન હતું અને આ તમામ પ્રકરણ રાજ્યપાલ સમક્ષ પહોંચ્યું હતું ત્યારે આ ચુકાદા બાદ હવે ભુપેન્દ્ર ખાંટ તા.૨ મે ૨૦૧૯ ના રોજથી ડિસ્કવોલિફાઈ જાહેર કરવામાં આવ્યા છે. દરમ્યાન પબુભા માણેક અંગેના પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે પબુભા માણેકની મેટર સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે પરંતુ કાયદાની જોવા જઈએ તો પબુભાને હાલ ધારાસભ્ય ગણી શકાય નહીં. અલ્પેશ ઠાકોર પુછાયેલા પ્રશ્નના ઉત્તરમાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સ્પષ્ટતા કરી હતી કે આજે સાંજ સુધીમાં મારી સમક્ષ વિગતો અને પેપર્સ આવશે પછી આગળની કાર્યવાહી કરીશું જોકે નિયમ અનુસાર બંને પક્ષોને પુરાવાની તક આપ્યા બાદ રૂબરૂ સાંભળીશું અને પછીના ન્યાયિક નિર્ણય કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ભૂપેન્દ્રસિંહ સામે ભાજપના હારેલા ઉમેદવાર વિક્રમ ડિંડોરે આદિજાતિ વિકાસ વિભાગને ફરિયાદ કરી હતી કે, ભૂપેન્દ્રસિંહ ખાંટ આદિવાસી સમાજમાંથી નહીં પરંતુ ઓ.બી.સી. (અધર બેકવર્ડ ક્લાસ)માં સમાવિષ્ટ થતી જ્ઞાતિમાંથી આવે છે તેથી તેમની પાસે રહેલું આદિજાતિનું પ્રમાણપત્ર રદ થવું જોઈએ. આદિજાતિ વિકાસ કમિશનરની સ્ક્રૂટિની સમિતિ સમક્ષ મોકલવામાં આવી હતી. ભૂપેન્દ્રસિંહના પિતા ઓ.બી.સી. સમુદાયના છે અને માતા આદિજાતિ સમુદાયના છે. જો કે ભૂપેન્દ્રસિંહના બાળકો અને ભાઈઓ ઓ.બી.સી.નું પ્રમાણપત્ર ધરાવે છે. તેમના લગ્નસંબંધો પણ ઓ.બી.સી. સમુદાયમાં જ છે.
જેની સામે ભૂપેન્દ્રસિંહ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે પિતાએ તેમને નાનપણમાં તરછોડ્યા હોવાથી તેમની માતાએ મોસાળમાં તેમનો ઉછેર કર્યો હતો, જેથી તેઓ આદિજાતિ સમુદાયના છે તેવું કહી શકાય. સુપ્રિમ કોર્ટના ચુકાદા પ્રમાણે જો કોઈ બાળકનો ઉછેર તેના મોસાળમાં જ થયો હોય અને તેની માતાની જ્ઞાતિ તેના સ્વીકારની સત્તાવાર મંજૂરી આપે તો તે બાળકને તેની માતાની જ્ઞાતિનું પ્રમાણપત્ર મળી શકે છે. આ પ્રકારનો કોઈ પુરાવો ભૂપેન્દ્રસિંહ રજૂ કરી શક્યા નહોતા ઉપરાંત સ્ક્રૂટિનીમાં બહાર આવ્યું હતું કે ભૂપેન્દ્રસિહનો અભ્યાસ તેમના પિતાના ગામમાં થયો છે, તો મોસાળમાં ઉછેરની વાત પર પણ સવાલ ઊભા થયા હતા. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી આદિજાતિ વિકાસ કમિશનરે ભૂપેન્દ્રસિંહનું આદિજાતિનું પ્રમાણપત્ર રદ કર્યુ હતું.