અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ગ્રીનરી માત્ર પ.રપ ટકા હોઇ તેમાં વધારો કરવાના બણગાં દર વર્ષે ફૂંકાય છે. દર ચોમાસામાં લાખો રૂપિયાના ખર્ચે ટ્રી ગાર્ડ ખરીદાય છે અને મ્યુનિ. તિજોરીમાંથી વૃક્ષારોપણ માટે પાણીની જેમ પૈસા વપરાય છે. પરંતુ આમાં આઘાતજનક બાબત એ છે કે, ખુદ તંત્ર દ્વારા વિભિન્ન પ્રોજેકટો માટે છેલ્લાં પાંચ વર્ષમાં ૪૦૪૮થી વધુ લીલાંછમ વૃક્ષોનું નિકંદન કાઢી નાંખવામાં આવ્યું છે. શહેરમાં જે પ્રકારે ગ્રીન પટ્ટા એટલે કે, હરિયાળા વૃક્ષોનું નિકંદન એક યા બીજા કારણોસર નીકળી રહ્યું છે તે જાતાં આવનારા વર્ષોમાં પરિસ્થિતિ ઘણી ગંભીર અને ચિંતાજનક બનવાની વકી છે. એક રીતે, ગ્રીન સીટીની અમ્યુકોની મુહીમ માત્ર કાગળ પર જ રહી છે. શહેરમાં ખાડિયા જેવા વિસ્તારમાં નહીંવત હરિયાળી છે તો એક સમયના લીલાંછમ યુનિવર્સિટી વિસ્તારમાંથી હરિયાળાં વૃક્ષો ઓછાં થતાં જાય છે.
હવે ગ્યાસપુરમાં સૌથી વધુ વૃક્ષો છે. આમ તો અમદાવાદ ગ્રીનરીના મામલે રાજ્યના વડોદરા, રાજકોટ અને ભાવનગર કરતાં પણ પાછળ છે. અમદાવાદ કરતાં રાજકોટમાં ગ્રીનરી વધારે છે. માત્ર સુરત વૃક્ષોનાં મામલે અમદાવાદ કરતા પાછળ છે. તાજેતરમાં મ્યુનિ. કમિશનર વિજય નહેરાના આદેશથી આગામી ચોમાસામાં કોર્પોરેટ કંપનીઓએ પણ ફરજિયાત વૃક્ષારોપણ કરવું પડશે. આ ઉપરાંત સીજી રોડની જેમ શહેરના માર્ગો પર ૧૦ થી ૧ર ફૂટ ઊંચા લીમડા, આસોપાલવ અને ગુલમોરનાં વૃક્ષો વવાશે. શહેરને લીલુંછમ બનાવવા તંત્રએ પાંચ લાખ નાના રોપા, ઉપરાંત પાંચ લાખ મોટા રોપા વાવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. કુલ દસ લાખ રોપાથી અમદાવાદને હરિયાળું બનાવાશે. બીજી તરફ ખુદ તંત્રની સંમતિથી છેલ્લાં પ વર્ષમાં કુલ ૪૦૪૮ લીલાંછમ વૃક્ષોનો ખુડદો બોલાવાયો છે. બીઆરટીએસ, મેટ્રો રેલ અને હાઇવે સહિતના પ્રોજેકટના કારણે લીમડા, પીપળા, કણજી, ગુલમોર, આંબલી, ગુંદો, વડ, કાસીંદ, સપ્તપર્ણી, ગરમાળો વગેરે લીલાંછમ વૃક્ષોને કાપી નખાયાં છે.
જ્યારે સત્તાવાળાઓની મંજૂરી વગર તો ત્રણ થી ચાર ગણાં લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢી નંખાયું છે. નાના રોપાના ૪૦ થી ૪પ ટકા વાવેતર નિષ્ફળ જતાં હોઇ મોટા રોપાની સફળતા અંગે અત્યારથી પ્રશ્નો થાય છે. જોકે મ્યુનિસિપલ તંત્ર દ્વારા પ્રથમ વખત મોટા રોપાને વવાશે એટલે ખુદ બાગ-બગીચા વિભાગ પાસે આવા રોપાની સફળતા માટે કોઇ વિશ્વાસપૂર્વકનું આંકલન નથી. જ્યારે જે તે પ્રોજેકટને નડતરરૂપ લીલાંછમ વૃક્ષોને તેનાં મૂળ સહિત ઉખાડી તિલકબાગ કે યુનિવર્સિટી વિસ્તારમાં ફરીથી વૃક્ષારોપણ કરવાના તંત્રના પ્રયાસ ખાસ સફળ થયા નથી. મ્યુનિ. સત્તાવાળાઓએ રાજ્યના વનવિભાગ પાસેથી રીપ્લાન્ટેશન માટેનું ખાસ મશીન મેળવ્યું હોઇ તેનો ઉપયોગ કરાઇ રહ્યો છે. પણ જમીન કે આબોહવા માફક નહીં આવતાં એક જગ્યાએથી ઉખાડેલાં વૃક્ષ નવી જગ્યાએ ફળતાં-ફૂલતાં નથી. આમ તો છેક વર્ષ ર૦૧૧-૧રથી તંત્રની સત્તાવાર મંજૂરી મેળવીને લીલાંછમ વૃક્ષો કપાઇ રહ્યાં છે. પરંતુ તે વખતે વૃક્ષોને કાપવાનો આંકડો મર્યાિદત હતો. વર્ષ ર૦૧૧-૧રમાં માત્ર ર૧૯ વૃક્ષ કપાયાં હતાં. પરંતુ છેલ્લાં પાંચ વર્ષમાં ચિંતાજનક હદે લીલાંછમ વૃક્ષો સત્તાવાર રીતે કપાઇ રહ્યાં હોઇ અત્યારની કાળઝાળ ગરમીમાં અમદાવાદીઓને કેટલાક વિસ્તારમાં સમ ખાવા પૂરતો એક વૃક્ષનો પણ છાંયડો મળતો નથી. બીજી તરફ પર્યાવરણનું નિકંદન થઇ રહ્યું હોઇ મેગાસીટી અમદાવાદ હરિયાળા વૃક્ષોના મામલે ઘણુ પાછળ પડી ગયું છે તે શરમજનક વાત છે.