ગીતાદર્શન
“ ઇષ્ટાન્ભોગાન્હિ વો દેવા દાસ્યન્તે યજ્ઞભાવિતા: ˡˡ
તૈર્દત્તાનપ્રદાયૈભ્યો યો ભૂડ્ક્તે સ્તેન એવ સ:ˡˡ ૩/૧૨ ˡˡ “
અર્થ –
“ યજ્ઞથી સંતુષ્ટ થયેલા દેવ તમને મનપસંદ ભોગ આપશે, પણ જે મનુષ્ય દેવોએ આપેલા ભોગ તેમને અર્પણ કર્યા વગર જ ભોગવે છે તે ચોર છે. “
તમે કરેલી પૂજા. અર્ચના કે મંત્રોચ્ચાર ચિંતન – મનન દ્વારા સંતુષ્ટ થયેલા દેવ તમને ઇચ્છિત ફળ જરૂર આપે છે. સાચા દિલથી કરેલી પ્રાર્થના વ્યર્થ જતી નથી, દૃઢ શ્રધ્ધા રાખી મન એકાગ્ર કરીને શુભ નિષ્ઠા અને નિસ્વાર્થ ભાવ રાખી ને જો દેવની સેવા કરીએ તો તેનાથી તે દેવ જરૂર પ્રસન્ન થાય છે, અને તમારી મનોકામના પૂર્ણ કરે છે,પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે તેમને ભગવાને કે દેવે આપેલુ સુખ અથવા ભોગ તેમને ધરાવ્યા વિના જ ભોગવવા લાગે છે . ભગવાન આવા લોકોને ચોર કહે છે. ચોર જેમ બીજાની સંપત્તિ ધન દોલત ચોરી જાય છે તેમ સમાજમાં પણ કેટલાક લોકો એવા હોય છે જે બીજાની ધન દોલત ને હડપ કરી જવા માટે ટાંપીને જ બેઠા હોય છે. કેટલાક લોકો એવા પણ હોય છે જેનામાં ધીરજનો અભાવ હોય છે, કોઇપણ કામ ફળની આસક્તિ વિના જ કરવાનું છે તેમ છતાં તેઓ ફળની અપેક્ષા તો રાખે જ છે અને એને માટે પૂરતો સમય જવા દેવા પણ એ તૈયાર નથી હોતા. વ્યક્તિ આવેશમાં આવીને જીવન જીવવાને બદલે પૂરતું ધૈર્ય રાખીને જીવે તો તેના કર્મના બદલામાં તેને યોગ્ય ફળ મળતાં જ હોય છે. ભગવાનને સંતુષ્ટ કરવા એ ઘણું મહત્વનું કાર્ય છે, દેવ જો સંતુષ્ટ થઇ જાય તો એ પછી એ ઇચ્છા કરતાં ય વધારે સારુ ફળ આપે જ છે. ભગવાને તમારા માટે જેનું નિર્માણ ન કર્યું હોય તેવું કોઇ પરિણામ કે તેવા ભોગ જો તમે ભોગવવા જાઓ કે પછી ભગવાને આપેલ સંપત્તિ તેમને સમર્પિત કર્યા વગર જ ભોગવશો તો સમાજ તમને ચોર ગણશે, તમારી સામે આંગળીઓ ચીંધશે, અને અપમાનિત થઇને જીવવાનું તમને ખૂબ જ આકરૂ લાગશે,
અસ્તુ.
અનંત પટેલ