અમદાવાદ : એસ.જી. હાઈવે પર ધી હેરિટેજ વેલનેસ સ્પામાં મસાજનું કામ કરતી થાઇલેન્ડની યુવતીઓ ગેરકાયદે નોકરી કરતી હોવાનો પર્દાફાશ વસ્ત્રાપુર પોલીસે કર્યો છે. સેટેલાઇટ, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં બિલાડીની ટોપની માફક સ્પા સેન્ટર ખૂલી ગયાં છે. ભૂતકાળમાં સ્પા સેન્ટરની આડમાં દેહવ્યાપારનો વ્યવસાય વિદેશી યુવતીઓ કરતી હોવાનું બહાર આવ્યું છે ત્યારે ગઈકાલે પોલીસ ગુરુદ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, ગુરુદ્વારા વિસ્તારમાં આવેલ એલેન ઇન્સ્ટિટ્યૂટ પાસેના અક્ષર સ્ટેડિયાના પ્રથમ માળે આવેલા ધ હેરિટેજ વેલનેસ સ્પામાં વિદેશી યુવતીઓ દેહવ્યાપાર કરે છે. જેના આધારે પોલીસે દરોડા પાડતાં સ્પામાં વિદેશી યુવતીઓ વર્ક પરમિટ વિઝા વગર કામ કરતી હોવાની વાત સામે આવી હતી. પોલીસે સ્પામાં કામ કરતી થાઇલેન્ડની ત્રણ યુવતી સહિત પાંચ જણાંની ધરપકડ કરી હતી.
જો કે, પોલીસના દરોડા દરમ્યાન દેહવ્યાપાર ચાલતો હોવાના કોઇ પુરાવા પોલીસને હાથ લાગ્યા નહોતા. સ્પા સેન્ટરમાં સંચાલક, મેનેજર, થાઇલેન્ડની ત્રણ યુવતી સહિત અન્ય બે યુવતી અને બે યુવક કામ કરતાં હતાં. પોલીસે થાઇલેન્ડની તમામ યુવતીઓની પૂછપરછ કરી હતી અને તેમના પાસપોર્ટ અને વિઝા ચેક કર્યા હતા. પોલીસે યુવતીઓના વિઝા ચેક કરતાં તેઓ બિઝનેસ વિઝા પર આવેલી હોવાનું સામે આવ્યું હતું. બિઝનેસ વિઝા પર આવેલી હોવા છતાંય તે સ્પામાં નોકરી કરતી હોવાથી પોલીસે તેમના વિરુદ્ધમાં કાર્યવાહી કરી છે. આ તમામ વિદેશી યુવતીઓ બિઝનેસ વિઝા ઉપર આવી હતી અને તેમની પાસે વર્ક પરમિટ વિઝા ન હતા. કેટલીક યુવતીઓના પાસપોર્ટની મુદત પણ પૂરી થઇ ગઇ હતી.
સ્પામાં વિદેશી યુવતીઓ વર્ક પરમિટ વિઝા વગર કામ કરતી હોવાનું બહાર આવ્યું હતું. સ્પાના માલિક અને મેનેજરને પોતાના સ્પામાં નોકરી પર રાખવામાં આવેલી યુવતીઓ ટૂરિસ્ટ કે બિઝનેસ વિઝા પર વિદેશથી આવી હોવાની જાણ હોવા છતાં આર્થિક લાભ માટે તેમને નોકરી પર રાખી હોવાનું બહાર આવ્યું હતું. જેને પગલે પોલીસ દ્વારા ફોરેનર્સ એમેન્ડમેન્ટ-ર૦૦૪ની વિવિધ કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વસ્ત્રાપુર પોલીસે ધ હેરિટેજ વેલનેસ સ્પામાં દરોડા પાડતાં સ્પા મેનેજર રેશમા છીપા, સોમા પોખરેલ તેમજ સ્પામાં કામ કરતી વિદેશી યુવતીઓ મિસ પુનથારિકા પ્રકાબ (રહે.ખૂથમ્મા), ચોટિકા ફાનાહિંગ (રહે. થાઈલેન્ડ), સુની તોડૅન્ગ (રહે. થાઈલેન્ડ)ની ધરપકડ કરી હતી. પોલીસના દરોડાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.