અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં અમરાઈવાડી, રામોલ અને નિકોલ જેવા વિસ્તારમાં દિવસેને દિવસે ગુનાખોરીમાં વધારો થઈ રહ્યો છે. પોલીસનો કોઈને ડર ન હોય તેમ ગુનેગારો બેફામ બન્યા છે. નરસિંહ નગરમાં રહેતા ચિરાગ સુરેશ પરમાર નામના યુવકે અમરાઈવાડીમાં રહેતી સગીરાને એસિડ ફેંકી ચહેરો બગાડી દેવાની ધમકી આપતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને સગીરા અને તેનો પરિવાર ફફડી ઉઠતાં તેમણે અમરાઇવાડી પોલીસને જાણ કરી હતી.
અમરાઇવાડી પોલીસે હવે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. શહેરના અમરાઇવાડી વિસ્તારમાં રહેતી સગીરા જ્યારે ટ્યૂશનમાં જઈ રહી હતી ત્યારે આરોપી ચિરાગ પરમાર સતત તેનો પીછો કરી હેરાન કરતો હતો. ચિરાગ આ યુવતીનો પીછો કરી ફરવા આવવા માટે સતત દબાણ કરતો હતો. જેથી સગીરા તેનો વિરોધ કરતી ત્યારે તેના પર એસિડ ફેંકવાની ધમકી આપી પરીવારને જીવવા નહીં દઉં તેમ કહી ડરાવતો હતો. બે દિવસ પહેલા સાંજે સગીરા માતા સાથે ખરીદી કરવા જતી હતી, ત્યારે ચિરાગ બાઈક લઈ આવ્યો હતો. રસ્તામાં બંનેને રોકી તમારી છોકરી મારો ફોન કેમ નથી ઉપાડતી તેમ કહ્યું હતું.
સગીરાની માતાએ તું કેમ ફોન કરે છે તેમ કહેતા ચિરાગે ધમકી આપતા કહ્યું કે, તે મારી સાથે કેમ નથી બોલતી? મારી સાથે ફરવા મોકલો અને જો નહિં મોકલો તો એક બે દિવસમાં તેના પર એસિડ ફેંકી ચહેરો બગાડી દઈશ. ત્યાર બાદ ચિરાગે ગાળાગાળી અને ઝપાઝપી કરતા લોકો ભેગા થઈ ગયા હતા. આ મામલે ચિરાગની માતા અને ભાઈને જાણ કરતા તેઓ પણ ત્યાં આવ્યા હતા. બંનેએ પણ ઝઘડો કરી અને મારવાની ધમકી આપી હતી. અમરાઈવાડી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.