ગઢચિરોલી : મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં ૧૫ જવાનોના આજે આઈઇડી બ્લાસ્ટમાં મોત થયા હતા. નક્સલવાદીઓએ ખુબ જ સુનિયોજિત રીતે કાવતરું ઘડી કાઢીને આ હુમલો કર્યો હતો. પોતાની જાળમાં ફસાવીને આ હુમલો કરવામાં આવ્યો હતો. નક્સલવાદીઓને માહિતી હતી કે, નાની મોટી હિંસાની ઘટના બાદ સુરક્ષા દળોની ચોક્કસપણે મુવમેન્ટ થશે અને યોગ્ય તકની રાહ જોઈને નક્સલવાદીઓ બેઠા હતા.
જો કે, મહારાષ્ટ્રના ડીજીપીએ આ અહેવાલને રદિયો આપ્યો છે કે, નક્સલવાદીઓએ ક્યુઆરટી કમાન્ડોને જાળમાં ફસાવી લીધા હતા. ગયા વર્ષે સી-૬૦ યુનિટને મોટી સફળતા હાથ લાગી હતી જેનો બદલો લેવાના ઇરાદા સાથે આ હુમલો કરવામાં આવ્યો હતો. જા કે, આ પ્રશ્નના જવાબમાં મહારાષ્ટ્રના ડીજીપી સુબોધ જયસ્વાલે કોઇ વિગત આપવાનો ઇન્કાર કર્યો હતો પરંતુ ૧૫ જવાન શહીદ થયા છે. એન્ટી નક્સલ ઓપરેશન વધુ તીવ્ર કરવામાં આવશે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સાથે વાતચીત કરવામાં આવી રહી છે. હુમલા પહેલા વહેલી પરોઢે કુરખેડા વિસ્તારમાં નક્સલીઓએ કાવતરા હેઠળ ૩૬ વાહનોને ફુંકી માર્યા હતા. આ હિંસા સુરક્ષા જવાનોને જાળમાં ફસાવવા માટેના ઇરાદા સાથે ફેલાવવામાં આવી હતી અને નક્સલવાદીઓ તેમની યોજનામાં સફળ રહ્યા હતા. સુરક્ષા જવાનોની મુવમેન્ટ થઇ ત્યારે જ નક્સલીઓએ બપોરે હુમલાને અંજા આપ્યો હતો. ગયા વર્ષે ૨૨ અને ૨૩મી એપ્રિલના દિવસે સુરક્ષા દળો સાથેની અથડામણમાં ૪૦ નક્સલીઓ માર્યા ગયા હતા.