અયોધ્યા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પણ ઝંઝાવતી ચૂંટણી પ્રચારનો દોર જારી રાખ્યો હતો. ઉત્તરપ્રદેશના ધાર્મિક સ્થળ અયોધ્યામાં ચૂંટણી સભાને સંબોધતા મોદીએ ફરી એકવાર ત્રાસવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો અને સમાજવાદી પાર્ટી તેમજ બહુજન સમાજવાદી પાર્ટી તેમજ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. મોદીએ સંબોધનમાં કહ્યુ હતુ કે પડોશમાં આજે પણ ત્રાસવાદની ફેક્ટરીઓ ચાલી રહી છે. તેમનુ એક જ કામ રહેલુ છે. આ કામ ત્રાસવાદીઓ અને હથિયારોને ભારતમાં મોકલી દેવાનુ છે. જેથી સાવધાન રહેવાની જરૂર છે. ત્રાસવાદનો ખાતમો કરવામાં આવી રહ્યો છે ત્યારે એક નાનકડી ભુલ ભારે પડી શકે છે.
મોદીએ ફરી તેમના સંબોધનમાં શ્રીલંકા સિરિયલ બ્લાસ્ટનો મુદ્દો ઉઠાવ્યો હતો. મોદીએ સંબોધનમાં કહ્યુ હતુ કે દેશના લોકોની સુરક્ષા માટે એક મજબુત સરકારની જરૂર છે. મહામિલાવટ અને કોંગ્રેસના લોકો દેશમાં નબળી સરકાર ઇચ્છે છે. આ નબળી સરકારના ગાળા દરમિયાન લોકોની સુરક્ષાને લઇને હમેંશા ખતરો રહી શકે છે. ત્રાસવાદીઓ યોગ્ય તકની રાહ જાઇ રહ્યા છે. જેથી સાવધાન રહેવાની છે. નાનકડી ભુલ ભારે પડી શકે છે.
વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં સરકારની વિકાસ કામગીરીની વાત કરી હતી. મોદીએ કહ્યુ હતુ કે ઉત્તરપ્રદેશમાં એકપછી એક વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. મોદીએ સંબોધન કર્યુ ત્યારે મંચ પર ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને અન્ય વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. મોદીના અયોધ્યામાં કાર્યક્રમ અને રેલીને લઇને પહેલાથી જ મજબુત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી. કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પહેલાથી જ સુરક્ષા મજબુત કરાઇ હતી.