નવી દિલ્હી : વર્ષ ૨૦૧૩માં સુરતની સાધિકા બહેનોએ નારાયણ સાંઈ સામે નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદના ચકચારભર્યા કેસમાં સુરત સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ પી.એસ.ગઢવીએ આજે બહુ મહત્વનો અને ઐતિહાસિક ચુકાદો જાહેર કર્યો હતો અને ખૂબ જ સંવેદનશીલ એવા આ કેસમાં કોર્ટે આરોપી નારાયણ સાંઇને આજીવન કેદની આકરી સજા ફટકારી હતી.
- સમાજમાં ધર્મગુરૂ બનીને બેઠેલા અને આવા પ્રભાવશાળી હોદ્દા પર બિરાજમાન બેસેલા લોકો જો આવો ગુનો કરે ત્યારે કડક સજા થવી જ જોઈએ
- ધર્મના ઉચ્ચ સ્થાને બિરાજીને નારાયણ સાંઈ લોકોને ઉપદેશ આપતા હતા અને વાડજ ચિભડા ગળે તો બીજાનું શું કહેવું ?
- આરોપીને સજા કરવાનો મુખ્ય હેતુ સમાજમાં ગુના બનતા અટકાવવા આવા ગુના વારંવાર ન થાય એ માટે વધુમાં વધુ સજા થવી જોઈએ
- આરોપીના અત્યંત ઘૃણાસ્પદ કૃત્યના કારણે પીડિતાને ઘણુ સહન કરવાનું થયું છે અને તેનું કોઇ રીતે ભરપાઇ શકય નથી
- આરોપી નારાયણ સાંઇ દ્વારા સમગ્ર સૃષ્ટિ વિરુદ્ધનું પણ કૃત્ય કરવામાં આવ્યું છે. અહીં પીડિતાના શરીરને જ નહીં આત્માને પણ દુઃખી કરાઈ છે
- આરોપી નારાયણ સાંઇ અને પિતા આસારામના સેંકડો આશ્રમો છે. લાખોની સંખ્યામાં તેમના અનુયાયી છે, આશ્રમોમાં આવા કૃત્ય થાય તો કોઈ જવા તૈયાર નહીં થાય
- આરોપીના આ પ્રકારના કૃત્યએ અસંખ્ય લોકોની આસ્થા પર ઘા કર્યો છે અને લોકોની ધાર્મિક આસ્થા ડગી જાય તો સમાજમાં ગંભીર અવળી અસરો પડે
- ગુરુનું સ્થાન ભગવાન કરતા મોટું અને પિતા કરતા પણ પૂજ્ય સ્થાને છે. તે પોતે જ જો આવું કૃત્ય કરે તો તેના માટે કોઈ દયા બતાવી શકાય નહીં
- નારાયણે ધાર્મિક સ્થાનના ઉચ્ચ દરજ્જા પર બેસીને ગુનો કર્યો હોય તેને મહત્તમ જન્મટીપની સજા મળવી જોઈએ
- આ સમગ્ર કેસમાં ૪૨ પોટલાં ઇન્વેસ્ટિગેટિવ એજન્સી દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા. નારાયણ સાંઇ દ્વારા ટ્રાયલ દરમિયાન લાંચ આપવાનો પ્રયાસ થયો હતો તે રકમ પણ કબ્જે કરાઈ હતી
- સરકારી વકીલે ભોગ બનનાર પીડિતાને રૂ. ૨૫ લાખનું વળતર આરોપી નારાયણ સાંઇ પાસેથી અપાવવાની માંગ કરાઇ હતી
- સરકારી વકીલ દ્વારા હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટના જજમેન્ટ રજૂ કરી વધુમાં વધુ સજા થાય તેવી દલીલ કરવામાં આવી હતી, જે કોર્ટે ગ્રાહ્ય રાખી હતી
બચાવપક્ષની દલીલો શું હતી?
- સાધિકા નારાયણ સાંઈની કસ્ટડીમાં નહોતી, તેણી ગમે ત્યાં જવા મુક્ત હતી
- કેસમાં કોઈપણ પ્રકારની જબરદસ્તી કરાઈ હોય તેવા કોઈ પુરાવા નથી
- નારાયણ સાંઇ અને પીડિતા વચ્ચે પૂર્વ સંમતિથી સંબંધ બંધાયો હતો
- સમગ્ર કેસમાં સજા થાય તેવો કોઇ પુરાવો જ નથી
- કોર્ટને સજા કરવી હોય તો પણ કેસના સંજાગો અને હકીકતો ધ્યાને લઇ દોઢ વર્ષ સુધીની જ સજા કરવી જાઇએ, તેનાથી વધુ નહી
- નારાયણ સાંઇ પાંચ વર્ષ અને ચાર મહિનાથી જેલમાં છે, તે પણ ધ્યાનમાં રાખવામાં આવે. જેથી ઓછામાં ઓછી સજા કરવામાં આવે
- પાટણ અને સુરત ગેંગરેપના ચુકાદાને ટાંકીને દલીલ કરાઇ કે, એ કેસને આ કેસ સાથે જોડી ન શકાય. આ કેસ એ પ્રકારનો નથી. જેથી ઓછી સજા થવી જોઈએ
- ગુનો ૨૦૦૧ ૨૦૦૨નો છે, જહાંગીરપુરા આશ્રમમાં બનેલા ગુનામાં ભાવના અને જમનાબેનનો હાથ હોવાનો કોઈ પુરાવા નથી
- સાધિકાને કોઈ ફરજ પાડવામાં આવી નથી કે તેની મારઝૂડ પણ કરવામાં આવી નથી
- સમગ્ર કેસ સાડા અગિયાર વર્ષ કેસ ડીલે છે, કેસમાં કોઇ પુરાવા જ નથી