નવી દિલ્હી : બિઝનેસમેન અને કિંગ્સ ઇલેવન પંજાબના સહમાલિક નેસ વાડિયાને ડ્રગ્સ રાખવાના આરોપમાં જાપાનની એક અદાલતે બે વર્ષની સજા ફટકારી છે. વાડિયા ઉપર આ વર્ષે માર્ચ મહિનામાં જાપાન યાત્રા દરમિયાન ૨૫ ગ્રામ ડ્રગ્સ રાખવાને લઇને તેમને કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા હતા. જો કે વાડિયા જાપાનથી પરત ફર્યા બાદ હાલમાં ભારતમાં છે. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, નેસ વાડિયાએ જાપાનમાં થોડાક દિવસ કસ્ટડીમાં પણ ગાળ્યા હતા. આ અવધિ કેટલી હતી તે સંદર્ભમાં કોઇપણ પ્રકારની માહિતી મળી શકી નથી. જાપાનમાં સપોરો જિલ્લાની કોર્ટે નેસ વાડિયાને સજા ફટકારી હતી. જો કે, આ સજા પાંચ વર્ષ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. હાલમાં નેસ વાડિયા તરફથી આને લઇને કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
અટકાયત કરવામાં આવ્યા બાદ નેસ વાડિયા ભારત પરત ફર્યા હતા અને ત્યારથી લઇને હજુ સુધી જાપાન પરત ફર્યા નથી. કારોબારની દુનિયામાં નેસ વાડિયા ગ્રુપનું ખુબ મોટુ નામ છે. બોમ્બે ડાઇંગ, બોમ્બે બર્મન, બ્રિટાઇનિયા ઇન્ડસ્ટ્રી સહિત ગો એરવેઝ પણ આ ગ્રુપમાં છે. ગ્રુપની કંપનીઓની કુલ સંપત્તિ ૧૩.૧ અબજ ડોલરની આસપાસની છે. જાપાનની કોર્ટના ચુકાદા અંગે પ્રતિક્રિયા આપતા વાડિયા ગ્રુપના પ્રવક્તાએ કહ્યું છે કે, નેસ વાડિયા ભારતમાં છે.
પ્રવક્તાએ કહ્યું છે કે, ચુકાદો બિલકુલ સ્પષ્ટ છે. આ સસ્પેન્ડર સજા છે. પાંચ વર્ષ માટે સજા સ્થગિત કરવામાં આવી ચુકી છે. આનાથી નેસ વાડિયાની જવાબદારી ઉપર કોઇપણ પ્રકારની અસર થતી નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, નેસ વાડિયા માર્ચ મહિનામાં જાપાનમાં હોકાઈડો આઇલેન્ડના એરપોર્ટ પર ઝડપાઈ ગયા હતા. તેમની પાસે ૨૫ ગ્રામ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. નેસ વાડિયા રજા ગાળવા માટે જાપાન ગયા હતા. આ પહેલા વર્ષ ૨૦૧૪માં નેસ વાડિયા પર અભિનેત્રી પ્રિટી ઝિંટાએ ખરાબ વર્તન કરવાનો અને અશ્લિલ શબ્દનો ઉપયોગ કરવાનો આક્ષેપ કર્યો હતો. તમામ લોકો જાણે છે કે, નેસવાડિયા અને પ્રિટી ઝિંટા લાંબા સમય સુધી એકબીજા સાથે રિલેશનશીપમાં રહી ચુક્યા છે. ડ્રગ્સ રાખવાના મામલામાં જાપાનની કોર્ટે નેસવાડિયાને બે વર્ષની સજા ફટકારવામાં આવી હોવાના અહેવાલ બાદ આ અહેવાલની ચર્ચા જાવા મળી રહી છે. જો કે, હજુ સુધી નેસ વાડિયાએ પોતે કોઇપણ પ્રકારની પ્રતિક્રિયા આપ નથી. નેસ વાડિયા ભારતના ટોપના ઉદ્યોગપતિઓ પૈકીના એક તરીકે રહ્યા છે. આઈપીએલની ફ્રેન્ચાઇઝીસ કિંગ્સ ઇલેવન પંજાબના તેઓ સહમાલિક પણ છે.