અમેરિકાએ ભારત સહિત કુલ આઠ દેશોને ઇરાની પાસેથી તેલની આયાત કરવા માટે જે છુટછાટ આપી હતી તે ખતમ કરી દીધી છે જેથી તેમની સમસ્યા વધી શકે છે. ભારતને પણ કેટલીક તકલીફનો સામનો કરવો પડી શકે છે. ગયા વર્ષે અમેરકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનની સાથે કરવામા આવેલા પરમાણુ કરારને રદ કરવાની જાહેરાત કરી હતી. સાથે સાથે ઇરાનના તેલ આયાત પર પ્રતિબંધ લાગુ કરવાની જાહરાત કરી હતી.જો કે આના માટે ઇરાની તેલની મુખ્ય રીતે ખરીદી કરતા આઠ દેશોને કેટલાક સમય સુધી રાહત આપી હતી. ઇરાન પાસેથી તેલની ખરીદી કરનાર પ્રમુખ આઠ દેશોમાં ભારત.. ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, તાઇવાન, તુર્કી, ઇટાલી અને ગ્રીસને છ મહિના સુધીની છુટછાટ આપી હતી. જેના કારણે એવુ લાગી રહ્યુ હતુ ક અમેરિકા ઇરાન સાથે થયેલી તેની ખેંચતાણનુ નુકસાન અન્ય મિત્ર દેશોને થવા દેશે નહીં. પરંતુ હવે એવુ લાગી રહ્યુ છે કે અમેરિકા તો આ દિશામાં બિલકુલ વિચારણા કરી રહ્યુ નથી. આ આઠ દેશોની સાથે અમેરિકા હવે કોઇ રાહત રાખવા માટે આગળ વધવા તૈયાર નથી.
તમામ લોકો સારી રીતે જાણે છે કે ઇરાનની પાસેથી સૌથી વધારે પ્રમાણમાં તેલની ખરીદી ભારત અને ચીન દ્વારા કરવામાં આવે છે. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ભારતે ઇરાનની પાસેથી ૨.૨૬ કરોડ ટન ક્રુડ ઓઇલની આયાત કરી હતી. જેને પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા બાદ ઘટાડીને ૧.૫૦ કરોડ ટન કરવાની જાહેરાત કરવામા આવી હતી. અમેરિકાના નિર્ણયને ખુબ કઠોર તરીકે ગણવામાં આવે છે. જો કે અમેરિકા તેના નિર્ણય પર મક્કમ છે. હવે આયાત સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા બાદ દેશમાં ઉર્જા સંકટ વધી જવાની દહેશત રહેલી છે. આવી સ્થિતી અન્ય દેશોની સામે પણ ઉભી થઇ શકે છે. કેટલાક નિષ્ણાંતો તો માની રહ્યા છે કે તેની વિશ્વવ્યાપી અસર થનાર છે. કારણ કે ઇરાનથી તેલ નિકાસ પૂર્ણ રીતે ઠપ્પ થવાની સ્થિતીમાં દુનિયામાં તેલના સપ્લાયને માઠી અસર થનાર છે. ક્રુડ ઓઇલની કિંમતમાં આના કારણે ભારે ઉછાળો આવશે.
જેની સીધી અસર સામાન્ય લોકો પર થનાર છે. દુનિયાની તમામ અર્થવ્યવસ્થા પર તેની માઠી અને નકારાત્મક અસર થનાર છે. એવી દહેશત પણ વ્યક્ત કરવામા આવી રહી છે કે વિશ્વના દેશો બીજા એક આર્થિક સંકટમાં ન આવી જાય. તેની પ્રતિકુળ અસર દુનિયાના દેશો પર જુદા જુદા પ્રમાણમાં થનાર છે. હાલમાં ઉભી થયેલી સ્થિતી વચ્ચે તેલની નિકાસ કરતા દેશો ઓપેકે તેના તેલના ઉત્પાદનમાં ઉલ્લેખનીય વધારો કરી દીધો છે. રશિયાએ પણ મેથી સપ્ટેમ્બર ૨૦૧૮ વચ્ચેના ગાળામાં તેલનુ ઉત્પાદન ઉલ્લેખનીય રીતે વધારી દીધુ હતુ. વર્ષ ૨૦૧૯માં અમેરિકામાં તેલ ઉત્પાદન ૧૦ ટકા સુધી વધી જવાની શક્યતા છે. તે પ્રતિદિન ૧.૧૮ કરોડ બેરલ સુધી પહોંચી શકે છે. અમેરિકા તેલના ખેલને પોતાની તરફ કરવા માટે ઇચ્છુક છે. જેથી તેના દ્વારા દાવપેંચ રમવામાં આવી રહ્યા છે. જો કે જાણકાર લોકો માની રહ્યા છે કે તેલની નવ વ્યવસ્થા બનવામાં હજુ સમય લાગી શકે છે. આવી સ્થિતીમાં થોડાક સમય માટે દબાણની સ્થિતીનો સામનો કરવો પડી શકે છે.