અમદાવાદ : આઈઆઈટી અને એનઆઈટીમાં પ્રવેશ માટેની જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ એડ્વાન્સ -જેઈઈ એડ્વાન્સ પરીક્ષા તા.૨૭ મે રોજ લેવાશે. તેના માટે વિદેશના વિદ્યાર્થીઓની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાલમાં શરૂ કરી દેવાઈ છે. જયારે ભારતીય વિદ્યાર્થીઓ માટે જેઈઈ એડ્વાન્સ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા તા.૩ જી મેથી શરૂ થઈ અને તા.૯ મી મે સુધી કરવામાં આવશે. જેઇઇ એડવાન્સ પરીક્ષાને લઇ વિદ્યાર્થીઓ પણ તૈયારીમાં લાગ્યા છે.
જેઈઈ મેઇન્સના આધાર પર એડ્વાન્સ આપવાની યોગ્યતા રાખનાર વિદ્યાર્થી રજિસ્ટ્રેશન કરી શકશે. રજિસ્ટ્રેશન ફી સામાન્ય અને ઓબીસીમાં આવતા વિદ્યાર્થીઓ માટે રૂ ૨૬૦૦, એસ સી એસટી અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે રૂ. ૧૩૦૦ રાખવામાં આવી છે. જેઈઈ એડ્વાન્સ વેબસાઈટ પર ઓનલાઇન મોક ટેસ્ટ લિંક જાહેર કરવામાં આવી છે. જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને કમ્પ્યૂટર બેઇઝડ ટેસ્ટથી માહિતગાર કરવાનો છે. જેમાં મોક ટેસ્ટ પેપર ૧ અને મોક ટેસ્ટ પેપર ૨નો સમાવેશ કરાયો છે. તા.૨૭મી મેના રોજ આઈઆઈટી રૂરકી દ્વારા દેશભરમાં પરીક્ષા લેવાશે. ગત વર્ષે ૨.૨૦ લાખથી વધુ વિદ્યાર્થીને ક્વોલિફાઈ કરાયા હતા.
પરંતુ ૬૫ હજારથી વધુ વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન જ કરાવ્યું ન હતું. દેશભરની ૨૧ જેટલી આઈઆઈટીમાં પ્રવેશ માટે દર વર્ષે મે મહિનામાં જેઈઈ (જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ)ની એડ્વાન્સ પરીક્ષા લેવાય છે. દર વર્ષે જુદી જુદી આઈઆઈટી દ્વારા પરીક્ષાનું આયોજન થાય છે. જેમાં આગામી વર્ષે મેમાં આઈઆઈટી રૂરકી દ્વારા પરીક્ષા લેવાશે. જેઈઈ મેઈન પરીક્ષામાંથી દર વર્ષે ૨ થી ૨.૨૦ લાખ જેટલા વિદ્યાર્થીઓને જેઈઈ એડ્વાન્સ માટે લાયક કરાય છે. આ વર્ષે જેઈઈ મેઈન પરીક્ષા બે વાર લેવાશે. આ વર્ષે સંપૂર્ણપણે કમ્પ્યૂટર આધારીત પરીક્ષા લેવાશે. જેઇઇ એડવાન્સ પરીક્ષાને લઇ વિદ્યાર્થીઓ પણ તૈયારીમાં લાગ્યા છે.