અમદાવાદ : રામોલમાં રહેતી યુવતી પર થયેલા ગેંગરેપની ઘટનામાં હવે સ્ટુડન્ટ પોલિટિક્સ શરૂ થતાં રાજકારણ જારદાર રીતે ગરમાયુ છે. એકબાજુ, આરોપી અંકિત પારેખ એબીવીપી અને સંધનો કાર્યકર હોવાનું એનએસયુઆઇ જણાવી રહ્યું છે. તો, બીજીબાજુ, એબીવીપી દ્વારા અંકિત પારેખ પોતાનો કાર્યકર નહી હોવાનો લૂલો બચાવ રજૂ થઇ રહ્યો છે. જા કે, એબીવીપીના આ બચાવને ફગાવતાં એનએસયુઆઇના નેતા સુભાન સૈયદે જણાવ્યું હતું કે અંકિત પારેખ એબીવીપીનો જ કાર્યકર છે અને સોશિયલ મીડિયાના એબીવીપીના કાર્યક્રમમાં હાજર હોવાના ફોટા પણ છે.
આમ, હવે એનએસયુઆઇ સમગ્ર મામલે આરોપીઓનો પર્દાફાશ કરવામાં અને પીડિતાને ન્યાય અપાવવા મેદાનમાં આવ્યુ છે, જેને લઇ સમગ્ર રાજકારણ ગરમાયું છે. તો હવે રામોલ ગેંગરેપની અત્યંત ઘૃણાસ્પદ ઘટનામાં અંકિત પારેખ સહિતના આરોપીઓની સંડોવણી બહાર આવતાં ગુજરાત યુનિવર્સિટીનું તંત્ર પણ સજાગ બન્યું છે. ખાસ કરીને આરોપી અંકિત પારેખ ગુજરાત યુનિવર્સિટીની સ્કૂલ ઓફ સાયન્સમાં હંગામી કર્મચારી તરીકે નોકરી કરતો હતો. જેથી હવે આ પાપીકાંડમાં અંકિત પારેખની સંડોવણી આવ્યા બાદ યુનિવર્સિટીના કુલપતિ ડો.હિમાંશુ પંડ્યાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ તો, અંકિતને કેમ્પસમાં આવવા પર પ્રતિંબધ મુકવામાં આવ્યો છે. યુનિવર્સિટીની બહારના તત્વોની વાતોમાં અને કોઈ પણ પ્રલોભનમાં વિદ્યાર્થીઓ આવવું નહીં તેવી સ્પષ્ટ સૂચના પણ જારી કરી દેવાઇ છે. બીજીબાજુ, રામોલની યુવતી પર ગેંગરેપના ચકચારભર્યા પ્રકરણમાં પોલીસે રાજ નામના શકમંદની અટકાયત કરી હતી અને તેની ઝીણવટભરી પૂછપરછ હાથ ધરી છે.
ગેંગરેપ પીડિતાના મોત બાદ જાગેલી રામોલ પોલીસ ગણતરીના કલાકોમાં ચિરાગ અને અંકિત નામના આરોપીની ધરપકડ કરી લીધી હતી. જ્યારે હાર્દિક શુક્લા નામનો આરોપી ફરાર થવામાં સફળ રહ્યો છે. ચિરાગ અને અંકિતની પુછપરછમાં બહાર આવેલી વિગતોના આધારે જ પોલીસે રાજ નામના યુવકની પણ આજે અટકાયત કરી હતી. રામોલ પોલીસ પુરાવા મેળવવા માટે અલગ-અલગ હોટલના રજિસ્ટરની તપાસ કરી રહી છે. આરોપીના કોલ ડિટેઈલના આધારે પણ તપાસ કરવામાં આવી રહી છે. આરોપી હાર્દિક શુક્લા રામોલ પોલીસ અને ઝોન-૫ ડીસીપી અક્ષયરાજ મકવાની સ્કવોડને પણ હંફાવી રહ્યો છે. છેલ્લા એક વર્ષથી નોંધાયેલી ફરિયાદના પોલીસની ઢીલી તપાસ અને યોગ્ય પુરાવાએ ન મેળવી શકતા આરોપી હાર્દિક ભાગવામાં સફળ રહ્યો છે અને પોલીસ ફાંફા મારી રહી છે. આમ, હવે સમગ્ર પ્રકરણમાં પોલીસની ભૂમિકા અને ક્ષમતા સામે સવાલો ઉઠી રહ્યા છે.