નવીદિલ્હી : સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહની સામે દાખળ કરવામાં આવેલી અરજી ઉપર સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, મોદી અને અમિત શાહે ચૂંટણી આચારસંહિતાનો ભંગ કર્યો છે. અને તેમની સામે કાર્યવાહી થવી જોઇએ. આ અરજી કોંગ્રેસની મહિલા પાંખની અધ્યક્ષ અને સાંસદ સુષ્મિતા દેવ તરફથી દાખલ કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતા અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટ સમક્ષ માંગ કરી હતી કે, આ મામલાની સુનાવણી વહેલી તકે થવી જોઇએ. સુપ્રીમ કોર્ટ આવતીકાલે આ અરજી ઉપર સુનાવણી હાથ ધરશે.
સુષ્મિતા દેવે પોતાની અરજીમાં કહ્યું હતું કે, મોદી અને અમિત શાહ દ્વારા અનેક વખતે ચૂંટણી આચારસંહિતાનો ભંગ કરવામાં આવ્યો છે. આના પુરાવા કોંગ્રેસ પાર્ટી આપી ચુકી છે. દેવે કહ્યું હતું કે, બંને નેતાઓ દ્વારા ઉશ્કેરણીજનક નિવેદનો કરવામાં આવી રહ્યા છે. આ નેતાઓ દ્વારા પોતાના ભાષણોમાં સેનાના નામ ઉપર મત માંગવામાં આવી રહ્યા છે. ચૂંટણી પંચે આના ઉપર પ્રતિબંધ મુક્યો છે ત્યારે આ મુદ્દા ઉપર જ મત માંગવામાં આવી રહ્યા છે. દેવે કહ્યું હતું કે, કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ આની ફરિયાદ પણ કરી હતી..